ચલાલા પંથકમાં હામાપુરથી ચલાલા સુધીનો અંદાજે ૧૬.૫ કિલોમીટર લાંબો માર્ગ, જે વર્ષોથી વાહનચાલકો અને ગ્રામજનો માટે પારાવાર યાતના અને હાલાકીનું પ્રતિક બની ગયો હતો, તે રસ્તાના કામ માટે સરકારે રૂ. ૨૯ કરોડનો માતબર ખર્ચ મંજૂર કર્યો છે. સ્ટેટ હસ્તકના આ નવા રોડની વિશેષતા એ છે કે તેની પહોળાઈ ૧૦ મીટર રાખવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત જ્યાં ગામ આવે છે ત્યાં મજબૂત સી.સી. રોડ અને બાકીના અન્ય વિસ્તારોમાં ડામર રોડ મંજૂર કરવામાં આવ્યો છે. આ રોડ માટે સ્થાનિક ધારાસભ્ય જે.વી. કાકડીયાએ સરકારમાં રજૂઆત કરી હતી. તારીખ ૦૨/૦૩/૨૦૨૬ના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે ગોપાલગ્રામમાં સંતો-મહંતોના આશીર્વાદ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ વિવિધ ગામોના સરપંચોની ઉપસ્થિતિમાં દાન બાપુની જગ્યાના મહંત મહાવીર બાપુ આ રોડનું ખાતમુહૂર્ત કરશે. આ મંજૂરી બદલ ધારાસભ્ય જે.વી. કાકડીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિકભાઈ વેકરીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.