યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા સંચાલિત રક્ષા શક્તિ ગર્લ્સ સ્કુલ અને સંસ્કૃત શક્તિ ગુરુકુળ દ્વારા ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતના મહાન વૈજ્ઞાનિક સી.વી. રમન દ્વારા કરવામાં આવેલી ‘રમન ઈફેક્ટ’ ની શોધના અનુસંધાને આયોજિત આ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના પ્રેસીડેન્ટ ડો. ચંદ્રમૌલી જોષી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે વિવિધ વૈજ્ઞાનિક પ્રદર્શનો, મોડેલ રજૂઆત અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. અતિથિ વિશેષ ડો. જોષીએ નાના નાના વિજ્ઞાનના રમકડાં દ્વારા સંસ્કૃત શક્તિ ગુરુકુળના બાળકોને પ્રયોગો કરાવી વિજ્ઞાનનું મહત્વ સમજાવ્યું હતું અને સંશોધન ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રક્ષા શક્તિ ગર્લ્સ સ્કુલની દીકરીઓએ કર્યું હતું. ડો. રતિદાદાના આશીર્વાદ અને મહેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેક્ટર શીતલબેન મહેતા, આચાર્ય અને સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.