અમરેલી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ સતત કાર્યરત છે. તેવામાં ચલાલા નજીક આવેલા ઢોલરવા ગામની સીમમાં વોકળાના વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે સફળ દરોડો પાડીને મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, પોલીસ પહોંચે તે પહેલા આરોપી સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
પોલીસની તપાસ દરમિયાન ભઠ્ઠીના સાધનો અને દારૂ બનાવવા માટેનો કાચો માલ મળી આવ્યો હતો. પોલીસે ૧૦ લીટર દેશી દારૂ, દેશી દારૂનો આથો ૫૦ લીટર તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૪,૬૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાતમીના આધારે પોલીસે જ્યારે ઢોલરવા ગામની સીમમાં દરોડો પાડ્‌યો, ત્યારે સ્થળ પર દેશી દારૂ બનાવવાની પ્રક્રિયા ચાલુ હતી. પોલીસે તમામ સાધનો અને દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કેસમાં આરોપી સ્થળ પર હાજર મળી ન આવતા પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ જિલ્લામાંથી ૨૯ લોકો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. જ્યારે ૩૧ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ પકડાયો હતો.