આનંદ અને કાંતિભાઈ બંને ગયા. ચંદ્રકાન્ત આનંદને જોતો જ રહી ગયો અને પછી વર્તમાનનું ભાન થતાં આવકારો આપતાં બોલી ઊઠ્યો, ‘અરે, આવો, આવો.’
આનંદ બેઠો. ચંદ્રકાન્ત હજુ પણ તેના ઉપરથી દૃષ્ટિને હટાવી શકતો નહોતો. આનંદને આશ્ચર્ય થયું તે આચાર્યને તાકી રહ્યો. ઉંમર હશે લગભગ બેંતાલીશ- પિસ્તાલીશ વર્ષની. આનંદને જોઈને રાજી થયો. અડધો-પોણો કલાક વાતો કરી. ઈચ્છા નહોતી છતાંય એમના આગ્રહથી ચા-પાણી પીને આનંદ અને કાંતિભાઈ જવા નીકળ્યા.
‘આનંદની ઉંમર નાની છે. તેને સાચવજો.’ કાંતિભાઈ ભાવવિવશ થઈ જતાં બોલ્યા.
‘એની કોઈ પણ ચિંતા ન કરશો. કાંતિભાઈ. એને તો નાનો ભાઈ જ ગણીશ બસ.’
‘તમારું ઋણ હું ક્યે ભવે…”
‘રહેવા દો કાંતિભાઈ, એવી કોઈ જ જરૂર નથી.’ ચંદ્રકાન્તે એમની પીઠ થપથપાવી. કાંતિભાઈ ગદગદ બની ગયા. પાછા ફર્યા ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. છતાં રાવજીભાઈ જાગતા જ હતા. આનંદ તો પડ્યા ભેગો જ સૂઈ ગયો હતો. વહેલી સવારે પિતાજીએ જગાડયો ત્યારે ઊંઘ ઊડી. પાંચેક જેવું થયું હતું. રાવજીભાઈ અને કંકુબહેન જાગી ગયા હતા. રૂપાને શોધવા આનંદની બ્હાવરી આંખો આમતેમ ફાંફાં મારતી રહી, પણ ક્યાંય રૂપા ન દેખાઈ. અચાનક તેની આંખો સામે એક ઢાળિયામાં ગઈ. રૂપા વાસીદું કરી રહી હતી.
કાંતિભાઈ દાતણ-પાણી કરી અને નાહી-ધોઈને તૈયાર થઈ ગયા. સવારના છ વાગવા આવ્યા હતા. તેણે રાવજીભાઈની રજા માગી અને ચાલતા થયા, પણ અચાનક કંઈક યાદ આવતું હોય એમ રૂપાને સાદ પાડીને બોલાવી. રૂપા આવી. તેના હાથમાં સો રૂપિયાની એક નોટ મૂકી દેતાં તેમણે કહ્યું, ‘લે દીકરી, તારા ભાગના’…”
‘અરે, એવું ન હોય.’ રાવજીભાઈ આગળ આવતા બોલી ઊઠ્યા, ‘તમે તો બ્રાહ્મણ દેવતા. ભૂદેવ! તમને તો આપવાના હોય કાંતિભાઈ, અમને શરમાવો નહીં.’
‘ના, ના રાવજીભાઈ આ ક્યાં તમને આપું છું. ? હું તો રૂપાને આપું છું. દીકરી ગણીને આપું છું.’ કાંતિભાઈ હસી પડ્યા, ‘હવે ના નહીં પાડતા નહીંતર મને દુઃખ લાગશે.’
રાવજીભાઈ તેમની લાગણીને ઠેલી ન શક્યા. સવા છ થઈ ગયા હતા. સાડા સાત પોણા આઠે ગાડી આવતી હતી.
‘ઠીક લ્યો ત્યારે રામરામ રાવજીભાઈ. વધુ તો નથી કહેતો પણ….’
‘આનંદભાઈની કોઈ ચિંતા ન કરશો. આ જુઓ, પેલો મેડો છેને ? એ જ એમનો ઉતારો અને અહીં આપણા ઘરે ખાઈ-પીને દે ધુબાકા..! તમતમારે છાતી માથે હાથ રાખીને સૂઈ રહેજો, બસ. હું એને દીકરો ગણીને જ રાખીશ.’
કાંતિભાઈની આંખો ડબડબી ગઈ. ભલે ગમે એમ પણ એકના એક દીકરાને એક અજાણ્યા ગામમાં છોડવાનો હતો. આંખો ભીની હતી. એ વધુ બોલી ન શક્યા. રાવજીભાઈને બન્ને હાથ જોડીને પછી ચાલતા થઈ ગયા. આનંદ અડધે સુધી વળાવવા ગયો.
‘બસ હવે તું તારે નીકળ. હું ચાલ્યો જઈશ.’ કાંતિભાઈએ કહ્યું અને પછી તેમણે ભીની- સ્નિગ્ધ નજરે એક વાર પુત્રને જોઈ લીધો ને પછી સ્ટેશન તરફ ચાલતા થઈ ગયા. આનંદ ક્યાંય લગી ઊભો રહ્યો અને પિતાજીની પીઠને તાકી રહ્યો. પિતાજી ધીરે ધીરે નજરથી દૂર દૂર થતા ગયા અને હવે પિતાથી છૂટા પડયાનું દુઃખ તેને ઘેરી વળ્યું, પણ પછી હૈયું કઠણ કરીને દર્દને ખંખેરી નાખ્યું અને ગામ તરફ ચાલતો થયો!
ઘરે પાછો ફર્યો ત્યારે ગમાણ ખાલી થઈ ગઈ હતી. ફળિયું સૂનું બની ગયું હતું. રાવજીભાઈ અને કંકુબહેન ગાડું જોડીને વાડીએ નીકળી ગયા હતા. તે મેડા ઉપર આવ્યો. ખાટલા પર ગાદલું પાથર્યું હતું. એની ઉપર ભરત ભરેલો ઓછાડ પાથર્યો હતો. પાંગતે એક સફેદ ગોદડું નખાયેલું હતું. ઓશિકાં ગોઠવેલા હતા. પોતાની બેગ ત્યાં જ હતી. ગઈ કાલે વાળુ-પાણી કરીને ચંદ્રકાન્તભાઈને ત્યાં ગયા ત્યારે રૂપાએ બધું ગોઠવી દીધું હતું.
તેની નજર કાંડા પર ગઈ. આઠ જેવું થઈ ગયું હતું. તેણે ઝટપટ દૈનિકક્રિયા પતાવી નહાવાની તૈયારી કરી. બાથરૂમ નીચે હતું. કપડાં અને રૂમાલ લઈને નીચે આવ્યો. ઝડપથી દાદરો ઊતરી બાથરૂમનું બારણું જોરથી ખેંચ્યું પણ ત્યાં જ…
બાથરૂમમાં નહાતી નહાતી રૂપા સડક કરતી ઊભી થઈ ગઈ અને ઝડપથી પીઠ ફેરવી ગઈ!
માત્ર ચણિયાભેર નહાઈ રહેલી અનાવૃત્ત રૂપાએ શરમથી અવળું ફરી હાથ વડે ચહેરો ઢાંકી દીધો, પણ એ પહેલા બંનેની નજર અરસપરસ ટકરાઈ ગઈ હતી. આનંદ વળતી જ ક્ષણે બારણું બંધ કરીને મેડા ઉપર દોડી આવ્યો,
“..ઓહ! રૂપાની કુંવારી પીઠ તેની આંખોમાં સમાઈ ગઈ હતી. એ સિવાય પણ ઘણું બધું આનંદની આંખોમાં સમાઈ ચૂક્યું હતું. તેણે આંખો બંધ કરી દીધી તો તેની બંધ આંખોમાં ઊપસી આવી હિમાલયના બરફ ઉપર સૂર્યના વહેલી સવારના પારદર્શક રતુંબલ કિરણોના પ્રતિબિંબથી રચાતી કસુંબલ રંગોળી જેવી કોમળવરણી એ મુલાયમ પીઠ અને એ સુંવાળી પીઠ પર પાણીના બિંદુઓ લસરી રહ્યા હતા એવી એની સંઘેડાઉતાર કાયા અને ભીંજાયેલું યૌવન!!
લગભગ અડધા કલાક પછી આનંદે નીચે જોયું, ચોરી છૂપીથી. રૂપા નહાઈને બાથરૂમમાંથી બહાર આવી ગઈ હતી. આનંદ ઘડીભર તેને તાકી રહ્યો અને પછી હિંમત કરીને નીચે નહાવા જવાનો નિર્ણય કરીને નીચે ઊતર્યો. બિલ્લીપગે. કદાચ, પોતે જાણી જોઈને જ એવું કર્યું હશે. એમ તો રૂપાએ નહીં ધારી લીધું હોયને? મનમાંથી વિચારો દૂર હટતા ન હતા. કોઈ અગોચર ભય તેને ઘેરી વળ્યો હતો, પણ રૂપાને એવું કાંઈ લાગ્યું હોય તો ગુસ્સામાં આવીને કંઈક બોલી ઊઠી હોત એમ પણ આનંદને લાગ્યું.
પોતે વિચારોના ઘેરામાંથી બહાર નીકળવા ઘણુંય મથ્યો. એ ભયને ખંખેરવાનો પ્રયત્ન કરતો રહ્યો, પરંતુ એમાં નિષ્ફળતા જ મળી. ઊલટાનું પેલું દૃશ્ય તેની આંખો સામે તરવરતું જ રહ્યું.!
બાથરૂમમાં જતાં ફરી વાર, પેલા ભયથી ચકાસી જોયું અને પછી ઝટપટ સાબુ શરીર પર ચોળી જલદી જલદી નહાઈને બહાર આવી ગયો. આડુંઅવળું જોયા વગર ટુવાલ પહેરીને સીધો દાદરો જ ચડી ગયો. ભીનાં કપડાં સૂકવવા નાખી, આસન નાખી, બેગમાંથી ધૂપસળીનું પડીકું કાઢ્યું. અંદરથી બે ધૂપસળી કાઢી, પ્રગટાવી. સામેના, ગોખલાના પોલાણમાં દબાવી અને પછી આસન ઉપર પૂર્વ દિશામાં ચહેરો રાખી બેસી ગયો.
ઘેર હતો ત્યાં સુધીમાં તો પૂજાના મંદિર સામે જ સ્નાનાદિથી પરવારીને બેસી જતો. કલાક-દોઢ કલાક સુધી તેના પાઠ ચાલતા, પણ પીટીસી કરતી વખતે સમયના અભાવે બધું છૂટી ગયેલું. પિતાજીએ આ બાબતે સહેજ નારાજગી બતાવીને તેને ટકોર કરેલી. અત્યારે એ તેને યાદ આવી ગયું, ત્યારથી એક પણ દિવસ પાડયો નથી ને તેણે આંખો બંધ કરીને પાઠમાં ધ્યાન પરોવ્યું. મંત્રોચ્ચારનો હળવો, પવિત્ર ધ્વનિ વાતાવરણમાં છવાઈ ગયો.
આમ તો બચપણથી જ સવારમાં ઊઠી, નહાઈ-ધોઈ પૂજાપાઠ પતાવે કે બા ચા તૈયાર રાખતી. એ ટેવ હજી લગી ગઈ નહોતી. પીટીસી કરતી વખતે પણ એ પૂજાપાઠનો નિત્યક્રમ પતાવી ચા પીતો. તેને ચા પીવાની તલબ થઈ આવી. આજે નવ વાગી ગયા છતાં હજુ ચા પીધી નહોતી. તેની વિચારધારા અટકી પડી. કોઈ દાદરો ચડતું હતું. ઝાંઝરનો અવાજ આવ્યો. તેની નજર દાદરા પર ગઈ તો હાથમાં ચાની કીટલી તથા રકાબી લઈ રૂપા દાદરો ચડી રહી હતી.
આનંદ નીચું જોઈ ગયો. રૂપા તેના પગ પાસે જ હળવેકથી કીટલી તથા રકાબી મૂકીને પાછી વળી. આનંદથી એક દૃષ્ટિ એ તરફ નખાઈ ગઈ. રૂપા સુંદર દીસતી હતી. લીલી ચોળીમાંથી દેખાતી તેની ગોરી પીઠ ઉપર પથરાયેલી ભીની ભીની ઝૂલ્ફો અને એની આડેથી દેખાતી ગોરી પીઠ ઉપર આનંદની નજર ચોંટી ગઈ. આનંદ રૂપાના લાવણ્યમાં ખોવાઈ ગયો હતો. દાદરો ઊતરતી, એક હાથમાં કઠેડો પકડી, બીજા હાથમાં સાડીની પાટલી પકડી, પાછું ફરીને ટહુકી ઊઠતાં બોલી, ‘કીટલીમાં છે એ બધી જ ચા તમારે માટે જ છે. બીજા કોઈને પીવાની નથી. ગરમ ગરમ છે ત્યાં જ પી લેજો.’ કહી સ્મિત કરી ઊઠી. જાણે કંઈ જ ન બન્યું હોય એમ રૂપા બહુ સ્વાભાવિકતાથી આનંદને કહી રહી હતી. તેને ધરપત થઈ જાણે કશું જ બન્યું નથી. હજી હમણાં જ પોતે ચા…ચા કરતો હતો અને ચા આવી ગઈ. તેણે ચા પીધી. તુલસીનાં પાન નાખીને બનાવેલી ચા બેહદ સ્વાદિષ્ટ હતી. બા પછી આ રૂપાના હાથની ચા ભાવી.
બા ઘણી વાર કહેતી, ‘બેટા, કોઈને માટે પ્રસન્ન ચિત્તથી બનાવેલી રસોઈ ભલે ઉતાવળે બનાવી હોય છતાં ખૂબ સ્વાદિષ્ટ બને છે અને એ ખાવાથી જઠર તો તૃપ્ત થાય છે, પરંતુ મન પણ સંતૃષ્ટ થાય છે.’
આનંદને થયું ખરેખર બા સાચું કહેતી હતી. હૃદય તૃપ્ત થઈ ગયું હતું. સાડા નવ-દસ જેવું થયું હતું. આજે રવિવાર હતો. કોઈ કામ તો હતું નહીં. આનંદે વિચાર્યું: પોતે કપડાં ધોઈ નાખે તો? એમ વિચારી, લેંઘો- બનિયન પહેરી મેલા કપડાં લઈને તે નીચે ઊતર્યો. આ વાતથી અજાણ રૂપા, અરીસા સામે ઊભી ઊભી માથું ઓળતી ઓળતી ઓરડામાં ગઈ હતી, પણ બાથરૂમમાંથી કપડાં ધોવાનો અવાજ આવ્યો કે એ બહાર આવી. જોયું તો આનંદ કપડાં ધોઈ રહ્યો હતો.
‘અરે..’ રૂપા નજીક આવતાં બોલી ઊઠી, ‘અરે, શું કરો છો તમે? તમે મૂકી દો એ બધું. મારી બાને ખબર પડશે તો મારી ધૂળ કાઢી નાખશે. રહેવા દ્યો. હું હમણાં જ ધોઈ નાખીશ. મારે હજી કપડાં ધોવાનાં બાકી જ છે.’.
‘ના, ના. આ તો હું ધોઈ નાખીશ.’
‘અરે, પણ તમે…” કહી રૂપાએ ડોલ ખેંચી લીધી ને હસી પડી, ‘નથી સારા લાગતા જરાય.’ કહી ડોલ ઓંસરીની કોરે મૂકી દીધી.
આનંદે ઊભા થઈને ડોલ લઈ લીધી અને ફરી પાછો કપડાં ધોવા બેસી ગયો.
‘અરે, પણ તમે તો ખરા છો ભૈસાબ! હા કે નામાં કાંઈ ખબર પડે છે કે નહીં?’ તે બોલી ઊઠી, ‘હાલોને હવે, કોઈ જોઈ જશેને તો હું ભૂંડી લાગીશ.'(ક્રમશઃ)










































