રાગ – વૈરાગ

બાદલગઢમાં નવી સવલતોની, હરિયાળી ક્રાંતિ કરવામાં આનંદે ઝુકાવ્યું હતું. રૂપા ધીરે ધીરે આનંદની મોટી મોટી ભાવુક આંખોમાં અને વાંકડિયા વાળની ઝુલ્ફોમાં ખોવાતી જતી હતી. શરૂઆતના પંદર-વીસ દિવસ સુધી તો તે આનંદને જમવા બેસાડીને પછી પોતે રસોડાના ઉંબરે બેસતી. આનંદની જમવાની રીતભાત, હાવભાવ જોઈને એને રોમાંચ થતો, પણ છેલ્લા પાંચેક દિવસથી તો એ ઉંબરાની બહાર અને આનંદની પાસે જ બેસતી. પોતે પણ ત્યાં જ, તેની સામે જમવા બેસી જતી.
બન્ને સાથે જ જમવા બેસતાં. જમતાં જમતાં આંખો સાથે આંખો ટકરાઈ જતી ત્યારે પોતાની કાયામાં કોઈ અજાણ્યા મહેરામણ ઊછળી જતા.
બે દિવસ પહેલાં તે આગ્રહ કરી રહી હતી. રોટલી પીરસતાં પીરસતાં જ થાળી આડા રહેલા આનંદના હાથને એણે બળપૂર્વક પાછાં ઠેલીને રોટલી પીરસી દીધી. આનંદ હસી પડયો. હમણાં થોડી આળસ અને સમયના અભાવે કપડાં ભેગાં થઈ ગયા. નિશાળે જવાની થોડી વાર હતી એટલે આનંદને થયું કે ધોઈ નાખું. કપડાં લઈને તે નીચે ઊતર્યો. રૂપા રસોઈ કરી રહી હતી. એણે જોયું અને બોલી ઊઠી, ‘રહેવા દો, પછી મારી મા મને ખિજાય છે.’
‘આજે નહીં ખિજાય. હું કહી દઈશ કે કપડાં તો રૂપા જ ધૂએ છે.’
‘આવું ખોટું બોલવાનું?’ તેની આંખો ચમકી. આનંદ બાલદી લઈને બાથરૂમમાં ગયો. રૂપાએ કહ્યું, ‘જો જો લ્યો, આજ તમને ઠપકો ન અપાવડાવું તો..’
અને સાંજે શાળાએથી છૂટીને ઘરે આવ્યો ત્યારે ચા પીવા નીચે બોલાવીને કંકુબહેને મીઠો ઠપકો આપતાં કહ્યું, ‘આનંદભૈ, તમે આ ઘરને પારકું માનો છો?’
‘ના રે ના. એવું હોય?’
‘તો બસ, તમારા કપડાં તમે ધૂઓ તો મારી દીકરીના તમને સમ છે.’
‘અરે અરે બહેન!’ આનંદને થયું કે કંકુબહેને મોટી આડ મૂકી દીધી. તેણે રૂપા સામે જોયું. રૂપા લુચ્ચું હસી. કંકુબહેન રસોડામાં ચા મૂકવા ગયા ને એ દરમિયાન રૂપા ચોટલો ગૂંથતી આનંદને ડીંગો બતાવતી હતી. એમાં કપડા ધોવાના ઈજારાને પોતાના હાથમાં ખેંચી લીધાનો રૂઆબ હતો. આનંદે દાંત ભીંસ્યા. રૂપાને એ ગમ્યું. ત્યારે જ કંકુબહેન ચા બનાવી, તપેલી લઈને બહાર આવ્યા.
‘હવે વાડી જોવા ક્યારે આવવું છે તમારે?’ કંકુબહેને ચા પીતાં પીતાં કહ્યુંઃ
‘તમે કહો તે દી’.”
‘જોઈ છે, આપણી વાડી?’
‘જોઈ તો નથી, પણ રૂપા ઘણી વાર ભાત દેવા પાછળના રસ્તેથી જાય છે એ ઘણી વાર જોયું છે પણ એકલો તો..’
‘એકલા ક્યાં આવવાનું છે? રવિવારે તો તમારે રજા હોયને? એમ કરજો, રવિવારે તમે ને રૂપા હાલ્યાં આવજો…’
‘પણ એક વાત કહું? હું જમવાનું ત્યાં રાખીશ. તમને ગમશેને?’ કંકુબહેન હસી પડયાં, ‘એ કંઈ ન ગમવા જેવી વાત છે આનંદભૈ, અમને તો એમ કે તમે મોટા માણસોને એમ કેમ કહેવાય નહિંતર તો.’
‘એવું મારા માટે જરાય નહીં ધારવાનું કંકુબહેન. આ બુશકોટ-પાટલૂન પહેરી લેવાથી થોડું મોટું થઈ જવાય છે? માણસ મોટો થાય છે વિચારોથી. પૈસાથી નહીં. પૈસો તો હાથનો મેલ છે. હાથનો મેલ ચોળાઈને ઊખડી જાય છે એમ એવી મોટાઈ પણ એક દી’ ચાલી જાય છે. કંકુબહેન, માણસની મોટાઈ તેના સારા સંસ્કાર છે.’
‘ઈ જ તો આપણી ખાનદાની છે ભાઈ. અમે તો તમને પહેલી જ નજરે નાણી લીધા’તા કે માણસ બહુ ડાહ્યો છે.’કહેતાં કંકુબહેન વાસણ ઊટકવા એક ઢાળિયા તરફ વળ્યાં.
રવિવારે વાડીએ જવાનું પાક્કું થઈ ગયું. આનંદને ગમ્યું. ખાસ તો રૂપા સાથે જવાનું છે એ વાતથી તેના હૃદયમાં અનેરો રોમાંચ થતો ગયો. રવિવાર આવ્યો.
બપોરે સાડાબારે કપડાં ધોઈને સૂકવવા રૂપા મેડા પર આવી ત્યારે આનંદ લાંબો થઈ ગાદલા પર સૂતો હતો. કંઈક વાત કરવાના બહાને તેણે ભીનાં કપડાં ઝાટક્યાં. પાણીના છાંટા આનંદ પર પડ્‌યા. આનંદ ઊભો થયો. રૂપા છાનું છાનું હસતી હતી. આનંદ પાસે આવ્યો. રૂપાનો શ્વાસોશ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો.
આનંદ નજીક આવ્યો. રૂપાના શ્વાસોશ્વાસ ઝડપથી ચાલવા લાગ્યા. તેને થયુંઃ આનંદ હમણાં અડ્‌યો કે અડશે. તે બે ડગલા દૂર હટી ગઈ. આનંદ હસી પડતા બોલ્યો, ‘ડરી ગઈ ?’
“ના રે ના, અડી તો જુઓ.’
‘અડવાનું ક્યાં કહે છે, થોડો મેથીપાકે’ય આપી દઈશ હોં… અમસ્તાય તારા તોફાન વધતા જાય છે.’
‘ઈ’તો રહેશે જ હોં.’
‘આજે છાંટા ઉડાડ્‌યા, કાલે પલાળીય દઉં….’ ખડખડાટ હસતી રૂપાએ કહ્યું, ઠીક છે, હાલો, હવે આમ કાં બેસી ગયા? હાલો વાડીએ નથી જવાનું? અહીંયા કાંઈ આજ જમવાનું નહીં મળે.’
‘ “જમવાની ઉતાવળ નથી પણ લાગે છે કે વરસાદ આવવો જોઈએ..’
“શ્રાવણના સરવડા આવેને જાય. બાને બાપુ ભૂખ્યાં થયા હશે. હું તો હાલી.’
‘હાલો ત્યારે બીજું શું?’ કહેતો આનંદ ઊભો થયો. રસ્તે ચાલતા થયાં. આગળ રૂપા ને પાછળ આનંદ.!!
….. અચાનક રૂપાના પર થંભી ગયા. સામેથી અરજણ આવતો હતો. રૂપાએ ઓઢણી સંકોરી લીધી. ચહેરો નીચે ઢાળી દીધો. પલકો નીચે
આભાર – નિહારીકા રવિયા ઝૂકી ગઈ. રસ્તાની એક બાજુ તરી ગઈ. આનંદને નવાઈ લાગી. અરજણ નજીક આવી ઊભો રહ્યો. તીખી નજરે રૂપાને અને આનંદને જોઈ રહ્યો અને પછી ચાલતો થયો. આનંદે તેના તરફ જોયું. અરજણ કંઈક બબડ્‌યો, આઘે જઈને ઊભો ને પછી ચાલતો થયો.
‘એ ગયો?’ તેણે આનંદને પૂછ્યુંઃ
‘કોણ હતું એ?’ આનંદે પાછળ ફરીને જોઈ લીધું.
‘મારા કાકાનો દીકરો, અરજણ. આપણા ઘરની પાછળની શેરીમાં રહે છે.’
‘ઠીક..’
‘આપણને જોઈને કતરાતો’તો’..નહીં??’
‘હા મેં જોયું હતું અને પછી કંઈક બબડ્‌યોય ખરો.’ કહેતો આનંદ રૂપાની જોડાજોડ થઈ ગયો.
“એ દાઝે છે, મારાથી. મારું વેવિશાળ એના સાળા વેરે કરવું’તું ને એટલે.’
‘નો કર્યું?’
‘ગામનો ઉતાર છે એનો સાળો, જેસિંગ ગોરધન….હેબતપરનો છે. પોલીસના ચોપડે એનું નામ છે.’
‘પેલો ચોર તો નહીંને?’
‘હા. એ જ ચોરનો દીકરો, ઈ આનો સાળો થાય. એની હારે મારી સગાઈ કરવી’તી ને બાપુ સામે બહુ કાલાવાલા કર્યા, પણ મારા બાપુએ ના પાડી એમાં એને ચરકુ લાગ્યું. એટલે જ બબડતો હશે, પણ આપણે શું? બબડયા કરે.!! બાપુ—બાની પાસે બહુ પાપલિયા પાડયા, પણ મારી બાએ તો ચોખ્ખું જ કહી દીધું કે રોજનું લાવીને રોજ ખાતા હશે એના ઘરે હું મારી દીકરી દઈશ, પણ આવા ચોરટાના ઘરે તો…’ કહેતી રૂપા બેચૂક થઈ ગઈ. પગ લથડ્‌યો. ‘એ, એ..’ કરતી નીચે ઢળી ગઈ. આનંદ પ્રતિક્ષણ પાછો હટ્યો. માથા પરથી ભાતનું પોટકું નીચે પડી ગયું. રૂપા લડખડી. હેઠે કાળમીંઢ પાણો. રૂપા નીચે જ પડી જાત, પણ એક હાથમાં બરણી ને બીજા હાથે રૂપા આનંદના હાથમાં ઝિલાઈ ગઈ. ‘ઓ મા…’ કહેતી રૂપાએ એક હાથે આનંદનો ખભો પકડી લીધો ને એના ટેકે જ ઊભી રહી ગઈ, પણ આનંદથી બીજા હાથનું સંતુલન ન રહ્યું. બરણી નીચે પડી ગઈ અને રૂપાના શરીરનો ભાર ઝીલવા બંને હાથ તેણે પહોળા કરવા પડ્‌યા. આનંદ પણ માંડ માંડ પોતાનું સંતુલન જાળવી શક્યો. હવા થંભી ગઈ. રૂપા શરમથી પાણી પાણી થઈ ગઈ. ઉન્નત ઉરોજ આનંદની વિશાળ છાતીમાં ચંપાયા, ભીંસાયા અને દબાયા. આનંદના બંને હાથ પોતાની પીઠ પર ફેલાઈ ગયા. એક ક્ષણ, બીજી ક્ષણ અને ત્રીજી ક્ષણે રૂપાને પરિસ્થિતિનું ભાન થયું. પોતે હજી આનંદની બાહુપાશમાં જ હતી. શરમથી પાણી પાણી થતી, તેના મુખારવિંદ ઉપર લજ્જા ફરી વળી. જેવી લજ્જા બાથરૂમમાં, બેખબર નહાતી વખતે આનંદે આંચકો મારીને બારણું ખોલ્યા પછી ઉદ્‌ભવી હતી.
ઘડી ભરમાં શું બની ગયું તે બંનેમાંથી કોઈને ખબર ન પડી. ભાત ઢોળાયુ નહોતું એટલું નસીબ પાઘરું.! છાશની બરણીના ઢાંકણાં આડે પ્લાસ્ટિક પેક કરેલું હતું, તેથી છાશ પણ ઢોળાયા વગરની જ રહી ગઈ. બંને ચાલતાં થયાં. હવા ફરી વહેવા લાગી. આનંદના શર્ટ ઉપર રૂપાની આંગળીઓની છાપ પડી હતી તો રૂપાની કુંવારી ગુલાબી પીઠ પર આનંદની હથેળીની અંદરની હસ્તરેખાઓની છાપ પડી ચૂકી હતી. રસ્તો કપાતો હતો. બંને ચાલતાં હતાં. વાડીની નેળ શરૂ થઈ ગઈ.
‘આ આપડી વાડીનો મારગ.’ રૂપાએ મૌન તોડતાં કહ્યું. ઝાંપલી ઉઘાડી રૂપા ઝાંપલીની વચ્ચોવચ ઊભી રહી.
‘અંદર નથી આવવા દેવો કે શું?’
“આ મારી ચૂંદડીનો છેડો બાવળિયામાં ભરાઈ ગયો છે. એને કાઢું છું સમજયા?’ કહી એણે છેડો કાઢવાનો પ્રયત્ન કર્યો.
‘ઊભી રે, હું કાઢી આપું છું એ તારાથી નહીં નીકળે.’
‘ના, મારે નામ નથી ચડાવવું હોં, હું કાઢી લઈશ.’
‘ઊભી રે’ને હવે, એક છેડો કાઢતાંય ત્રણ કલાકથી મથે છે.’ કહેતાં એણે કાંટામાં ભરાઈ ગયેલો છેડો ખેંચ્યો.
‘હળવે.’ રૂપા છણકો કરી બેઠી, ‘ફાટી જશે હમણાં.’‘ભલે ફાટી જાય.’ ‘તમારે તો કહેવું છે ને?’
‘બીજી ઓઢણી લઈ દઈશ.’ કહેતાં આનંદે તિરછી નજરે રૂપા સામે જોયું.
‘ઠીક હવે મૂકો. સારા નથી લાગતા.’
‘તારા જેટલો તો ન જ લાગું ને?’ કહી એણે છેડો કાઢી દીધો અને પછી ખેંચ્યો પણ ખરો. રૂપા ખેંચાણી, ‘તમે તો હવે હદ કરી છે.’ કહેતી છેડાને આંચકો મારી ખેંચી લીધો ને પછી બોલી, ‘કોઈકનો છેડલો પકડવો હોય ને તો સાવજનું કાળજું જોઈએ. આમ મૂકી દોને તો કોઈ વિશ્વાસ નહીં કરે! છેડો પકડવો એ કીકલાની રમત નથી.’ કહેતી છણકો કરી, નીચલો હોઠ દબાવીને ભાગી. (ક્રમશઃ)