જુના ભુતીયા ગામમાં ગૌશાળામાં તાર ફેન્સિંગમાં ઈલેક્ટ્રીક કરંટ પસાર થવાના કારણે માલધારીના મોત મામલે અમરેલી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. સિનિયર એડવોકેટ ઉદયન ત્રિવેદી અને યુવા એડવોકેટ હરનીલ ત્રિવેદીએ આરોપીઓ પક્ષે મજબૂત દલીલો રજૂ કરી હતી, જેને કોર્ટે માન્ય રાખી હતી. આ ઘટના ૨ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ બની હતી. જ્યારે મસાભાઈ ભીખાભાઈ મેવાડા તેમના પિતા ભીખાભાઈ સાથે જુના ભુતીયા ગામની સીમમાં તેમનાં પશુઓ ચરાવી રહ્યા હતા. બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે દિલીપભાઈ પરીખની ગૌશાળા નજીક પડતર જગ્યામાં પશુ ચરાવતી વખતે ભીખાભાઈ મેવાડા તાર ફેન્સિંગને અડી ગયા હતા અને તેમને ઈલેક્ટ્રિક શોક લાગ્યો હતો. મસાભાઈએ તેમના પિતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભીખાભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ડોક્ટરે જણાવ્યું હતું કે ભીખાભાઈનું મૃત્યુ ઇલેક્ટ્રિક શોકના કારણે થયું હતું. આ ઘટના બાદ અમરેલી રૂરલ પોલીસે આઈ.પી.સી. કલમ – ૩૦૪, ૧૧૪ હેઠળ ગુનો નોંધ્યો હતો અને કિશનભાઈ વેલજીભાઈ બુટિયા, રાજુભાઈ મનજીભાઈ ગોહિલ અને કાનજીભાઈ જીવરાજભાઈ શેલડિયા સામે ચાર્જશીટ દાખલ કરી હતી. જોકે, આરોપીઓએ આરોપોને નકાર્યા હતા અને દાવો કર્યો હતો કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે સ્થાનિક સમુદાયમાં તણાવ ફેલાયો હતો અને લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. કેસની સુનાવણી દરમિયાન, સરકારી પક્ષે તેમની દલીલો રજૂ કરવા માટે સાક્ષીઓ અને પુરાવાઓ રજૂ કર્યા હતા. જો કે, અમરેલીના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ આર.વી. બુખારીએ આરોપીઓ તરફે રજૂ થયેલી દલીલોને માન્ય ગણીને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આરોપીઓ તરફથી સિનિયર એડવોકેટ ઉદયન ત્રિવેદી અને યુવા એડવોકેટ હરનીલ ત્રિવેદીએ કેસ લડ્યો હતો.