આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે ગૌરવ ગોગોઈએ તેમની બ્રિટિશ પત્ની સાથે લગ્ન કર્યા પછી સંસદમાં સંરક્ષણ બાબતોને લગતા સંવેદનશીલ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જાકે, ગૌરવ ગોગોઈએ આ આરોપોને ખોટા ગણાવ્યા અને કહ્યું કે ભાજપ જુઠ્ઠાણા અને ભ્રમ ફેલાવવામાં વ્યસ્ત છે.
ભાજપનો દાવો છે કે ગૌરવ ગોગોઈની પત્ની એલિઝાબેથ કોલબર્નના પાકિસ્તાન અને આઇએસઆઇ (ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ) સાથે સંબંધો છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે એલિઝાબેથ કોલબર્નના પાકિસ્તાન આયોજન પંચના સલાહકાર અલી તૌકીર શેખ અને આઇએસઆઇ સાથેના સંબંધો પ્રકાશમાં આવ્યા છે.
સીએમ હિમંતા બિસ્વા શર્માએ આરોપ લગાવ્યો હતો કે ગૌરવ ગોગોઈએ ૨૦૧૫ માં તેમના સંગઠન ‘પોલિસી ફોર યુથ’ દ્વારા પાકિસ્તાન હાઈ કમિશનની મુલાકાત લીધી હતી, જ્યારે તેઓ તે સમયે સંસદની વિદેશ બાબતોની સમિતિના સભ્ય ન હતા, અને તેમની ભાગીદારી પાછળના હેતુ પર પ્રશ્નો ઉભા કર્યા હતા. વિરોધી દેશના રાજદૂત સાથે આવી ઉચ્ચ સ્તરીય વાતચીત માટે વિદેશ મંત્રાલયની મંજૂરી અને બેઠક પછીની બ્રીફિંગની જરૂર પડે છે. હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે ગૌરવ ગોગોઈએ ભારતીય કોસ્ટ ગાર્ડ રડાર સિસ્ટમ, શસ્ત્ર કારખાનાઓ, સંરક્ષણ સાધનો અને ભારત-ઈરાન વેપાર માર્ગ જેવા મુદ્દાઓ પર સંસદમાં પ્રશ્નો પૂછ્યા હતા.
ગૌરવ ગોગોઈએ આ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે આ હાસ્યાસ્પદ અને મનોરંજક છે. તેણે મજાકમાં કહ્યું, ‘જા મારી પત્ની આઇએસઆઇ એજન્ટ છે, તો હું પણ રો એજન્ટ છું.’ કોંગ્રેસ નેતાએ કહ્યું કે ગત લોકસભા ચૂંટણી દરમિયાન પણ તેમના વિરુદ્ધ ખોટો પ્રચાર કરવામાં આવ્યો હતો, પરંતુ જનતાએ તેમને જીતાડ્યા. તેમણે આરોપ લગાવ્યો કે હિમંતા બિસ્વા શર્મા પોતે જમીન કૌભાંડમાં ફસાયેલા છે અને પોતાની ખુરશી બચાવવા માટે ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગૌરવ ગોગોઈએ વધુમાં કહ્યું કે, આસામમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને ભાજપ લોકોનો વિશ્વાસ ગુમાવી રહી છે. તેમણે કહ્યું કે આસામ અને મણિપુરના વાસ્તવિક મુદ્દાઓ બેરોજગારી, મોંઘવારી અને શાંતિની પુનઃસ્થાપના છે, જેના પર કોંગ્રેસ કામ કરવાનું ચાલુ રાખશે.