ગોંડલ સિટી એ ડિવિઝન પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર વધતી ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવા સઘન કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિકથી ઘમઘમતા માંડવી ચોક, મોટી બજાર અને જેલ ચોક સહિતના વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી અડચણરૂપ રીતે પાર્ક કરાયેલા વાહનો સામે પોલીસે કડક પગલાં લીધાં.આ કાર્યવાહી દરમિયાન શહેરમાં આડેધડ તેમજ નો-પા‹કગ ઝોનમાં પાર્ક કરાયેલા વાહનોને વ્હીલ લોક કરવામાં આવ્યા. પોલીસે વાહનચાલકોને સ્થળ પર જ દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરી. ઉપરાંત, અનેક વાહનોના કાચ પરથી બ્લેક ફિલ્મ દૂર કરી સંબંધિત ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ.ગોંડલ પોલીસે આડેધડ પા‹કગ કરનાર લોકોને કડક ચેતવણી આપી છે કે જાહેર માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે વાહન પાર્ક ન કરવા. અન્યથા પોલીસની આકરી કાર્યવાહીનો સામનો કરવો પડશે. શહેરમાં ટ્રાફિક શિસ્ત જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વાહનચાલકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.