ગોંડલનાં ગુંદાળા ફાટક નજીક રેલવે ટ્રેક પર એક અજાણ્યા યુવકે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો છે. આ બનાવને પગલે રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ ઘટના બપોરનાં આશરે ૧.૪૫ વાગ્યાની આસપાસ બની હતી. વેરાવળથી બાંદ્રા જતી ટ્રેન જ્યારે ગોંડલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા યુવકે ટ્રેન નીચે પડતું મૂકયું હતું. ઘટનાસ્થળે જ યુવકનું કરુણ મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં રેલવે પોલીસનાં એએસઆઈ ફીરોજભાઈ અને કોન્સ્ટેબલ હાર્દિકભાઈ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે યુવકનાં મૃતદેહને રેલવે સ્ટેશન ખાતે ખસેડ્યો હતો, જ્યાંથી શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક યુવકની ઓળખ હજું સુધી થઈ શકી નથી. તેણે કાળા રંગનું ટી-શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેર્યું છે અને જમણા હાથમાં એચ ત્રોફાવેલ છે. પોલીસ દ્વારા યુવકની ઓળખવિધિ માટેનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જ્યારે, રેલવે પોલીસનાં ફિરોજભાઈ મોબાઈલ નંબર ૯૭૨૩૩ ૫૦૮૩૬, રાજકોટ રેલવે પોલીસ ૬૩૫૯૬ ૨૭૭૯૦ અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટનાં દિનેશભાઇ માધડ ૯૧૦૪ ૦૦૦ ૫૫૫ એ મોબાઈલ નંબર જાહેર કર્યા છે. ગત ૧૪ જુલાઈનાં રોજ પણ ગોંડલનાં શ્રી હોટેલ પાછળ રેલવે ટ્રેક પર એક યુવકે આપઘાત કર્યો હતો. આમ, ટુંકાગાળામાં જ ગોંડલમાં ટ્રેન નીચે આપઘાતનો આ બીજા બનાવ સામે આવ્યો છે.