ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતભર સહિત ગુજરાતમાં પણ એલપીજી ગેસની અછત જોવા મળી રહી છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં પ્રજાના પ્રશ્નોને રજૂ કરતાં ગુજરાત કોંગ્રેસે હાલ ગાંધીનગરમાં ચાલી રહેલા વિધાનસભાના બજેટ સત્ર પહેલા વિધાનસભા પરિસરમાં ભારે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. વિધાનસભા પરિસર બહાર વિપક્ષના નેતા ધારાસભ્ય અમિત ચાવડા સહિતના ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગેસના સિલિન્ડર ખભે ઊંચકી ભારે વિરોધ નોંધાવ્યો હતો.
આ સમયે અમિત ચાવડાએ મીડિયા સમક્ષ નિવેદન આપતાં કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ અંગત કારણોસર અમેરિકા સામે સરેન્ડર થઈ ગયા છે. જેના કારણે આજે આખા દેશમાં ગેસની અછત સર્જાઈ છે. પહેલા લોકો નોટબંધી વખતે લાઈનોમાં ઊભા રહ્યા હતા અને બાદમાં કોરોનામાં દર દર ભટક્યા બાદ આજે ગેસની બોટલ લેવા માટે પ્રજા દર દર ભટકી રહી છે. આપણા ગુજરાતમાં પણ આ ગેસની તંગીના કારણે સિરામિક ઉદ્યોગ ઠપ થઈ ગયો છે, ડેરીઓનું ઉત્પાદન અટકી ગયું છે. એવા સંજાગોમાં દેશના વડાપ્રધાને લોકોને મોંઘવારીમાંથી રાહત તો ન આપી અને આજે મોંઘા ભાવે ગેસનો સિલિન્ડર લેવા માટે પણ આપણે દર દર ભટકવું પડી રહ્યું છે.
બીજા રાજ્યોમાં ૫૦૦ રૂપિયામાં ગેસની બોટલ આપવાની જાહેરાતો થાય અને આપણા ગુજરાતમાં ડબલ એન્જીનની સરકાર ગૃહિણીઓએ મોંઘા ભાવે ગેસ સિલિન્ડર ખરીદી રહી છે અને એના માટે પણ આવી ગરમીમાં લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે. જેથી ગુજરાતી જનતાનો એક જ અવાજ છે કે, આ અમેરિકા સામે સરેન્ડર થવાની નીતિ બંધ કરો અને દેશના લોકોના હિતમાં નિર્ણય લઈ તાત્કાલિક ન્ઁય્ ગેસ સહિતની અન્ય જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓને ઉપલબ્ધ કરાવે.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલી આ ગેસની કટોકટી હવે ગૃહિણીઓના રસોડામાં પણ અસર દેખાઈ રહી છે. જેના કારણે વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ સહિતના ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ૪૦ ડિગ્રી આસપાસની ગરમીમાં લોકો ગેસના સિલિન્ડર લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ સરકાર દેશમાં અને રાજ્યમાં ગેસની કોઈપણ જાતની ગેસની અછત ન હોવાના દાવા કરી રહી છે, ત્યારે આ મુદ્દે વિપક્ષે લડી લેવાના મૂડમાં છે.







































