ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુ ચાલી રહી છે. સવારે અને સાંજે ઠંડક તો બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતમાંથી શિયાળાની વિદાયની ઘડીઓ ગણાવા લાગી છે. તો બીજી બાજુ છેલ્લા થોડા દિવસથી કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો પણ આવ્યો હતો. આ સાથે કેટલીક જગ્યાએ વરસાદ પણ વરસ્યો હતો. ત્યારે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ.
હવામાન વિભાગે આપેલી લેટેસ્ટ માહિતી પ્રમાણે, ગુજરાત કિનારે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર અપર એર સર્ક્યુલેશન હવે ગુજરાત કિનારે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ૧.૫ કિમીની ઊંચાઈએ જોવા મળ્યું છે. ટ્રફ હવે દક્ષિણ આંતરિક કર્ણાટકથી મરાઠાવાડા સુધી ઉત્તર આંતરિક કર્ણાટક પર સ્થિત છે. ગુજરાત એક અપર એર સર્ક્યુલેશન છે. દક્ષિણપૂર્વ રાજસ્થાન અને પડોશના વિસ્તારોમાં અપર એર સર્ક્યુલેશન લેસ માર્ક બન્યું છે. મધ્ય મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોનું એર સર્ક્યુલેશન લેસ વેલ માર્ક થયું છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં ઉપલા અપર એર સર્ક્યુલેશન લેસ માર્ક થયું છે.
ગુજરાતના હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાન બે ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. આ સાથે આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં ૩૭.૧ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે. જ્યારે ગુજરાતનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં ૧૬.૨ ડિગ્રી સે. નોંધાયું હતું.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી સાત દિવસ એટલે કે, ચોથી માર્ચ સુધીમાં ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. વરસાદની કોઈ આગાહી નથી. ગુજરાતના વાતાવરણ અંગેની વાત કરીએ તો, હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનની દિશાને કારણે સવારે અને સાંજે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ સાથે સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. ગુજરાતમાં આગામી સાત દિવસ ક્યાંય વરસાદ પડવાની શક્યતા નથી. આગામી સાત દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની કોઈ શક્યતા નથી.
હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીના અનુમાન પ્રમાણે, ગુજરાતમાં શનિવાર સુધી હવામાનમાં પલટો જાવા મળશે. ૨૫થી ૨૮ તારીખ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ગીર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારો સહિત સુરેન્દ્રનગરમાં પણ માવઠું આવી શકે છે. જેથી અહીંયાના ખેડૂતોએ અત્યારથી ચેતી જવાની જરૂર છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર અને ઉત્તર પૂર્વીય ગુજરાતમાં અરવલ્લીમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ સિવાય વડોદરા, સુરત, નવસારીમાં પણ શનિવાર સુધી વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પડી શકે છે.









































