ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૨૪-૨૫નો ગુજરાત રાજ્ય મહિલા આયોગનો વાર્ષિક અહેવાલ રજૂ થયો છે જેમાં મહિલાઓ સામે અત્યાચારના ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. ત્રાસ, દહેજ, જાતીય સતામણીથી લઇને ઘરેલું હિસા સુધીના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જાકે, સાથે સાથે નિકાલની કામગીરી પણ સક્રિય રહી હોવાનું અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય મહિલા આયોગના વાર્ષિક અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૪-૨૫માં મહિલા આયોગને ૧,૩૩૮ નવી અરજીઓ મળી હતી. અગાઉની ૭૦૩ પેન્ડિંગ અરજીઓ સાથે કુલ ૨,૦૪૧ અરજીઓ આયોગ સમક્ષ આવી હતી, જેમાંથી વર્ષ દરમિયાન ૯૯૧ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે જ્યારે બાકીની અરજીઓ પર કાર્યવાહી ચાલુ છે.
શારીરિક અને માનસિક ત્રાસ, દહેજ પ્રથા, જાતીય સતામણી, અપમૃત્યુ અને ઘરેલુ હિંસા જેવા ગંભીર મુદ્દાઓમાં મોટી સંખ્યામાં અરજીઓ નોંધાઇ છે. આંકડાઓ સૂચવે છે કે સમાજમાં મહિલાઓની સુરક્ષા હજી પણ પડકારરૂપ મુદ્દો છે. રાજ્યભરમાં કાર્યરત નારી અદાલતોની કામગીરી પણ નોંધપાત્ર રહી છે. નારી અદાલતો દ્વારા ૩,૭૭૩ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે જ્યારે ૭૨ અરજીઓ પર કાર્યવાહી ચાલુ છે. ઉપરાંત, મહિલા આયોગે વર્ષ દરમિયાન યોજાયેલી ૧૨ સુનાવણીઓમાં કુલ ૧૨૨ કેસોનો નિકાલ કર્યો છે.
હેલ્પલાઇન સેવા પણ પીડિત મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. વર્ષ દરમિયાન ૪૭૦થી વધુ મહિલાઓને હેલ્પલાઇન મારફતે માર્ગદર્શન અને તાત્કાલિક સહાય આપવામાં આવી હતી.
મહિલા આયોગ દ્વારા જણાવાયું હતું કે, મહિલાઓને ઝડપથી અને સરળતાથી ન્યાય મળે તે માટે પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારો સુધી જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, તેમજ કાઉન્સેલિંગ અને કાનૂની સહાય વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા પ્રયાસો હાથ ધરાયા છે. પીડિત મહિલાઓ નિર્ભય બની આગળ આવે અને પોતાની સમસ્યા રજૂ કરે તે માટે વિશ્વાસપૂર્ણ વાતાવરણ ઉભું કરવાની દિશામાં આયોગ સતત કાર્યરત હોવાનું પણ જણાવાયું હતું.
આંકડાઓ એક તરફ વધતા પ્રશ્નોની ચેતવણી આપે છે, તો બીજી તરફ ન્યાય અને સહાય માટેની વ્યવસ્થા સક્રિય હોવાનું પણ દર્શાવે છે. હવે મહત્વનો પ્રશ્ન એ છે કે બાકી રહેલા કેસોનો નિકાલ કેટલી ઝડપથી થાય છે અને પીડિત મહિલાઓને ન્યાય કેટલો વહેલો મળે છે.







































