ગુજરાતમાં કાળજાળ ગરમી વચ્ચે હવે મેઘરાજાની એન્ટ્રી થવાના એધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૨૯ અને ૩૦ માર્ચ દરમિયાન કમોસમી વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. બે-બે શક્તશાળી હવામાન સિસ્ટમ સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલમાં બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં પલટો આવશે. આ સિસ્ટમને લીધે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાવાની શક્્યતા છે.
હવામાન વિભાગે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સરહદી વિસ્તારો માટે સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ આગાહી મુજબ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ વરસાદ દરમિયાન ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન પણ ફૂંકાઈ શકે છે. જાકે, માવઠાની આગાહી હોવા છતાં, આગામી ૭ દિવસ સુધી ગરમીના પારામાં કોઈ મોટો ઘટાડો જાવા મળશે નહીં, એટલે કે બફારો અને ગરમી યથાવત્ રહેશે.
હવામાનમાં આવતા આ મોટા ફેરફારને જાતા વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. ૨૮ અને ૨૯ માર્ચ દરમિયાન દરિયામાં તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
ભર ઉનાળે માવઠાની આગાહીથી જગતનો તાત ફરી ચિંતામાં મુકાયો છે. ખેતરમાં ઉભેલા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતીવાડી વિભાગે પણ ખેડૂતોને પોતાનો પાક સલામત સ્થળે ખસેડી લેવા અથવા ઢાંકી દેવા અપીલ કરી છે









































