ગુજરાતમાં અત્યાર સુધી વ્યકિતગત બેન્ક ખાતામાંથી નાણાં ચોરાવાના કિસ્સાઓ સામાન્ય હતા, પરંતુ રાજ્યમાં પહેલીવાર સીધું બેન્કનું સર્વર જ હેક કરીને કરોડો રૂપિયા સેરવી લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેન્કની સુરક્ષા વ્યવસ્થામાં ગાબડું પાડી સાયબર ગઠિયાઓએ રવિવારની રજાનો લાભ ઉઠાવી અંદાજે ?૭ કરોડ ટ્રાન્સફર કરી લીધા છે.
સાયબર ગઠિયાઓએ બેન્કની સોફ્ટવેર સિસ્ટમમાં રહેલી ખામીનો ફાયદો ઉઠાવ્યો હતો. આ ચોરીની પદ્ધતિ નીચે મુજબના તબક્કાવાર રીતે અમલમાં મૂકાઈ હતી. પ્રાથમિક તપાસ મુજબ, બેન્કની મોબાઈલ એપ્લીકેશન દ્વારા સોફ્ટવેર સિસ્ટમમાં બિનઅધિકૃત પ્રવેશ મેળવવામાં આવ્યો હતો. બેન્ક બંધ હોવાથી ટ્રાન્ઝેક્શન પર કોઈનું ધ્યાન ન જાય તે માટે રવિવારનો દિવસ પસંદ કરાયો હતો. તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિદસર – આ ચાર બ્રાન્ચના ડેટા સિકયુંરિટીને હેક કરવામાં આવી હતી. મોબાઈલ ટ્રાન્સફરની ૨ લાખની મર્યાદા હોવાથી, હેકર્સ દ્વારા કુલ ૩૫૦ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને ૭ કરોડ સેરવવામાં આવ્યા હતા. ટેકનિકલ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડ આચરવા માટે ૪ મોબાઈલ ફોનનો ઉપયોગ થયો હતો.
બેન્કના આંતરિક મોનિટરિંગ દરમિયાન જ્યારે અસામાન્ય ટ્રાન્ઝેક્શન જાવા મળ્યા, ત્યારે અધિકારીઓ સતર્ક થયા હતા. વધુ નુકસાન અટકાવવા માટે બેન્કે નીચેના પગલાં લીધા છે. બેન્કની તમામ ૮૮ શાખાઓની ઓનલાઈન કામગીરી તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવાઈ હતી. જે અન્ય બેન્ક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર થયા છે, તે તમામ બેન્કોને ઈમેઈલ કરી તે રકમ સીઝ કરવા માટે જાણ કરવામાં આવી છે. ૨ કરોડથી વધુની રકમ હોવાથી ગાંધીનગર સ્થિત  સ્ટેટ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન રસિક ભીંગરાડિયાએ જણાવ્યું હતું કે ખાતાધારકોએ ચિંતા કરવાની જરૂર નથી, તેમની થાપણો સંપૂર્ણ સુરક્ષિત છે. અમે હાલની સોફ્ટવેર સિસ્ટમમાં ફેરફાર કરી રહ્યા છીએ અને બુધવારથી બેન્કિંગ કામગીરી ફરી શરૂ થવાની શક્્યતા છે.”
ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્ક સાથે અંદાજે ૭ લાખ ખાતાધારકો જાડાયેલા છે. આ ઘટનાએ ડિજિટલ બેન્કિંગની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઊભા કર્યા છે. બેન્ક સત્તાવાળાઓએ ખાતરી આપી છે કે બેન્કની સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને.