ગુજરાતના મોટાભાગના શહેરોમાં હાલ ગરમીનો તીવ્ર અનુભવ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં કાળઝાળ ગરમી વધુ પ્રચંડ છે, જ્યાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં હવામાન સૂકું રહ્યું હતું, પરંતુ આગામી બે દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવું અનુમાન છે. ત્યારબાદ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.
કેશોદ ૩૯.૦ ડિગ્રી,રાજકોટ ૩૮.૯ ડિગ્રી, સુરેન્દ્રનગર ૩૮.૩ ડિગ્રી,વડોદરા ૩૭.૬ ડિગ્રી, અમદાવાદ ૩૭.૬ ડિગ્રી,સુરત ૩૭.૬ ડિગ્રી,ગાંધીનગર ૩૭.૦ ડિગ્રી જયારે અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૭.૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક અઠવાડિયા દરમિયાન ગરમીમાં રાહત મળવાની સંભાવના છે. ૨૯ અને ૩૦ માર્ચ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન વાવાઝોડા, વીજળીના કડાકા અને હળવા વરસાદની આગાહી છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના. આંધી અને ભારે પવન (૩૦-૪૦ કિમી પ્રતિ કલાક અથવા વધુ) ફૂંકાઈ શકે છે. બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ હળવા વરસાદ, વીજળી અને આંધીની આગાહી કરી છે.