રાજ્યના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી ગુજરાતની પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસક્રમમાં મોટો સુધારો થશે. રાજ્ય સરકાર દ્વારા કુલ ૩૨ પાઠ્યપુસ્તકોને સંપૂર્ણપણે નવી શૈક્ષણિક સામગ્રી સાથે બદલવામાં આવ્યા છે. નવા પાઠ્યપુસ્તકોમાં ભાષા, ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને પર્યાવરણ વિષયો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની સાથે ટેકનિકલ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા પ્રોત્સાહન મળે.
ખાસ કરીને કોમ્પ્યુટર વિષયમાં મોટા ફેરફાર થયા છે. ધોરણ ૯ અને ૧૧માં વર્ષ ૨૦૧૩-૧૪થી ચલાતા જૂના પુસ્તકોને હટાવીને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આધુનિક પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને ડિજિટલ ટેકનોલોજી સંબંધિત વિષયો શામેલ કરવામાં આવ્યા છે. આ નવા અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓને ટેકનોલોજી-આધારિત દુનિયામાં તાલીમ મળશે અને ભવિષ્યમાં ટેકનિકલ અને પ્રોફેશનલ ક્ષમતાઓ વિકસાવવામાં મદદ મળશે.
પ્રાથમિક સ્તરે પણ મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. ધોરણ-૨ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષામાં ‘વાચનમાળા’ નામની નવી ચોપડી તૈયાર કરવામાં આવી છે, જે ભાષા વિકાસ અને વાંચનક્ષમતા વધારવામાં મદદ કરશે. ધોરણ-૩માં ‘ગણિત મેળો’ અને પર્યાવરણ વિષયમાં ‘આપણી અદ્ભૂત દુનિયા’ પુસ્તકનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધોરણ-૬ માટે ‘ગણિત પ્રકાશ’ અને વિજ્ઞાનમાં ‘કુતૂહલ’ નવા પાઠ્યપુસ્તકો રજૂ કરવામાં આવ્યા છે.
આ ફેરફારો માત્ર ગુજરાતી માધ્યમ માટે જ નહીં, પરંતુ હિન્દી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પણ લાગુ કરવામાં આવ્યા છે, જેથી દરેક વિદ્યાર્થી સમાન ગુણવત્તાવાળા અભ્યાસક્રમનો લાભ મેળવી શકે. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે, નવા પુસ્તકોમાં આધુનિક ટેકનિક, પ્રશ્નકૌશલ્ય, સર્જનાત્મકતા અને વ્યવહારિક અભ્યાસ પર ભાર મૂકાયો છે, જેથી વિદ્યાર્થીઓમાં ક્રિટિકલ થિંકિંગ અને વિશ્લેષણાત્મક ક્ષમતા વિકસે.
નૈતિક શિક્ષણમાં પણ સુધારો કર્યો છે. ધોરણ ૭ અને ૮માં ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ના મૂલ્યોને શામેલ કરીને વિદ્યાર્થીઓને આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો વિશે સમજણ આપવામાં આવશે. પૂર્વે ધોરણ-૬થી ૮માં એક જ પુસ્તકનો ઉપયોગ થતો હતો, પરંતુ નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ ૭ માટે નવું સંપૂર્ણ પુસ્તક અમલમાં આવશે.
આ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ માત્ર શૈક્ષણિક જ્ઞાન આપવાનું નથી, પણ વિદ્યાર્થીઓને ટેકનોલોજી, વૈજ્ઞાનિક સમજણ, નૈતિક મૂલ્યો અને સર્જનાત્મકતા સાથે ભવિષ્ય માટે તૈયાર કરવાનું છે. નવા પાઠ્યપુસ્તકોમાં ખાસ કરીને પ્રોગ્રામિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પર્યાવરણ, ગણિત અને વિજ્ઞાનના આધુનિક મુદ્દાઓને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.










































