અંબાજી વિસ્તારના માર્બલને ભારત સરકારે “ભૌગોલિક સંકેત” તરીકે માન્યતા આપી છે. આથી અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે. આ ટેગ સાથે અંબાજી માર્બલનું માન વધ્યું છે, અને હવે તે વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ તરીકે ચમકશે.જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, પવિત્ર યાત્રાધામ તરીકે શક્તિપીઠ અંબાજીને વૈશ્વિક ઓળખ મળી છે તેવી જ રીતે અંબાજી માર્બલનું નામ પણ વિશ્વમાં તેજસ્વી રીતે લખાયું છે. હવે અંબાજી શ્રધ્ધાની સાથે કુદરતી સંપત્તિ અને ઔદ્યોગિક ગૌરવનું પ્રતીક પણ બન્યું છે. અંબાજી માર્બલનું માન વધ્યું છે, અને અંબાજીનું નામ વિશ્વના પથ્થર ઉદ્યોગના નકશા પર તેજસ્વી રીતે લખાયું છે. આ સિદ્ધી બદલ કલેકટરએ બનાસ વાસીઓ અને અંબાજી માર્બલ ક્વોરી અને ફેક્ટરી એસોસિએશનને અભિનંદન પાઠવ્યા હતા.અંબાજી વિસ્તારનો માર્બલ તેની દૂધિયા સફેદ ચમક, ટકાઉપણું અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતા છે. આ માર્બલનો ઉપયોગ અંબાજી મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળો, સ્મારકો અને ભવ્ય ઈમારતોમાં થાય છે. તે ગુજરાતની ધરતીની કુદરતી સૌંદર્ય અને પરંપરાગત હસ્ત કૌશલ્યનું પ્રતીક છે.ભૌગોલિક સંકેતએ એવું પ્રમાણપત્ર છે, જે કોઈ ચોક્કસ વિસ્તારના અનન્ય ઉત્પાદને આપવામાં આવે છે, જે તે વિસ્તારની ભૂગોળ, માટી, પરંપરા અથવા કુદરતી લક્ષણો પર આધારિત હોય. ભારતમાં જીઆઇ ટેગ ભારત સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ  હેઠળ, ચેન્નાઇ સ્થિત જીઆઇ રજિસ્ટ્રી ઓફિસ દ્વારા આપવામાં આવે છે.આ ટેગ મળવાથી  વિશ્વસ્તરીય ઓળખઃ અંબાજી માર્બલ તરીકે વૈશ્વિક બજારમાં અનન્ય બ્રાન્ડ ઇમેજ મળશે.,નકલી ઉત્પાદનો સામે સુરક્ષાઃ અન્ય વિસ્તારોના માર્બલને અંબાજી માર્બલ તરીકે વેચી શકાશે નહીં.,સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહનઃ રોજગાર, ખાણકામ અને ફેક્ટરી ક્ષેત્રે નવી તકો વધશે.,નિકાસમાં વધારોઃ વિદેશી માર્કેટમાં વિશ્વાસ અને માંગ બંને વધશે.,પરંપરાગત કૌશલ્યનું જતનઃ સ્થાનિક કલાકારો અને કારીગરોના હસ્તકૌશલ્યને નવી માન્યતા મળશે.ભારત સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમ દરમ્યાન કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલના હસ્તે બનાસકાંઠાના ભૂસ્તરશા†ી ગુરુપ્રીત સિંહને જી.આઇ. (ભૌગોલિક ઓળખ) ટેગનું પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા છે.