શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન ની શરૂઆતમાં, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં ધમકીભર્યા વર્તનની આકરી ટીકા કરી અને વધુ નિષ્પક્ષતા, ન્યાય અને બહુપક્ષીયતાની માંગ કરી. જિનપિંગની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ચીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત અનેક દેશો પર ભારે ટેરિફ લાદવાની કડક નિંદા કરી છે.
હાલમાં, અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ પર કામચલાઉ કરાર થયો છે, જેમાં ટ્રમ્પે ફરીથી ૯૦ દિવસ માટે બેઇજિંગ પર ભારે ટેરિફ મુલતવી રાખ્યો છે જેથી વાતચીત ચાલુ રહી શકે. જોકે, ગયા અઠવાડિયે ટ્રમ્પે ફરીથી ધમકી આપી હતી કે જા ચીન અમેરિકાને દુર્લભ ખનીજ (દુર્લભ-પૃથ્વી ખનિજા) નિકાસ કરવાનું બંધ કરશે, તો તેઓ ૨૦૦ ટકા ટેરિફ લાદશે.
રાષ્ટ્રપતિ જિનપિંગે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને મધ્ય એશિયા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના વડાઓ સહિત ૨૦ થી વધુ દેશોના નેતાઓ સમક્ષ આ વાત કહી. કોઈનું નામ લીધા વિના, તેમણે કેટલાક શક્તિશાળી દેશો પર કટ્ટરવાદ અને સત્તા રાજકારણનો આરોપ લગાવ્યો. તેમણે એક એવી વિશ્વ વ્યવસ્થાની માંગ કરી જે ન્યાય અને સમાનતા પર આધારિત હોય અને જેમાં દરેકને ભાગ લેવાનો અધિકાર હોય.
જિનપિંગે કહ્યું, જ્યારે આ સંગઠનની સ્થાપના લગભગ ૨૪ વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે અમે ‘શાંઘાઈ ભાવના’નો પાયો નાખ્યો હતો. આ ભાવના પરસ્પર વિશ્વાસ, પરસ્પર લાભ, સમાનતા, પરામર્શ, સંસ્કૃતિઓની વિવિધતા માટે આદર અને સહિયારા વિકાસ માટેના પ્રયાસો પર આધારિત છે. અમે સૌપ્રથમ અમારી સરહદો પર લશ્કરી વિશ્વાસ વધારવા માટે વ્યવસ્થા કરી, જેના કારણે અમારી લાંબી સરહદો મિત્રતા, વિશ્વાસ અને સહયોગનો સેતુ બની. અમે આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદની ત્રણ શક્તિઓ સામે બહુપક્ષીય કાર્યવાહી શરૂ કરનારા સૌપ્રથમ હતા. અમે સતત કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષા સહયોગને આગળ વધાર્યો.’
તેમણે કહ્યું, અમે કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષા સહયોગ વધાર્યો, મતભેદોને યોગ્ય રીતે સંભાળ્યા અને ઉકેલ્યા, બાહ્ય હસ્તક્ષેપનો સ્પષ્ટપણે વિરોધ કર્યો અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખી. અમે બેલ્ટ એન્ડ રોડ પહેલ શરૂ કરનારા સૌપ્રથમ હતા… અમે હંમેશા આંતરરાષ્ટ્રીય ન્યાય અને ન્યાયીપણાના પક્ષમાં છીએ, સંસ્કૃતિઓમાં સમાવેશ અને પરસ્પર શિક્ષણને પ્રોત્સાહન આપીએ છીએ અને વર્ચસ્વવાદી વિચારસરણી અને સત્તાની રાજનીતિનો વિરોધ કરીએ છીએ.
ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભવિષ્યને જોતા, આપણે આજના પડકારો અને પરિવર્તનોથી ભરેલા વિશ્વમાં ‘શાંઘાઈ ભાવના’ને આગળ ધપાવવી જોઈએ. આપણે મજબૂત પગલાં લઈને આગળ વધવું જોઈએ અને આપણા સંગઠનની શક્યતાઓનો વધુ સારો ઉપયોગ કરવો જોઈએ. આપણે આપણા મતભેદોને બાજુ પર રાખીને એકતાનો માર્ગ અપનાવવો જોઈએ, કારણ કે સામાન્ય ધ્યેયો આપણી શક્તિ અને લાભનો સ્ત્રોત છે. મતભેદો વચ્ચે સમાનતા શોધવાની ઇચ્છા શાણપણ અને દૂરંદેશી દર્શાવે છે.
જિનપિંગે પોતાના ભાષણમાં વધુમાં કહ્યું કે,એસસીઓના બધા સભ્ય દેશો એકબીજાના મિત્ર અને ભાગીદાર છે. આપણે એકબીજાના મતભેદોનો આદર કરવો જોઈએ, વ્યૂહાત્મક સંવાદ જાળવી રાખવો જોઈએ, સર્વસંમતિ બનાવવી જોઈએ અને એકતા અને સહયોગને મજબૂત બનાવવો જોઈએ. આપણે સહકારનો વ્યાપ વધુ વિસ્તારવો જોઈએ અને દરેક દેશની વિશેષ ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણે આ ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા, વિકાસ અને સમૃદ્ધિ માટે આપણી જવાબદારી નિભાવી શકીએ.
ચીનના રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, વિશ્વમાં પરિસ્થિતિ હજુ પણ અસ્થિર અને અશાંત છે. આપણે ધાકધમકીની રાજનીતિને નકારી કાઢવી પડશે, બાહ્ય હસ્તક્ષેપનો વિરોધ કરવો પડશે અને તમામ દેશોના કાયદેસર વિકાસના અધિકારોનું રક્ષણ કરવું પડશે. જિનપિંગે બહુપક્ષીયતાની હિમાયત કરી અને સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકાનું રક્ષણ કરવાની અને વૈશ્વીક વેપારની અખંડિતતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, અમે ન્યાય અને સમાનતાને સમર્થન આપીએ છીએ અને કટ્ટરપંથી શક્તિઓ અને સત્તાની રાજનીતિનો વિરોધ કરીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય બાબતોમાં આદર પર આધારિત રચનાત્મક ભાગીદારી હોવી જોઈએ.