ગીર સોમનાથ જિલ્લા ગોળ ઉત્પાદક મંડળની વાર્ષિક બેઠકનું આયોજન પ્રાંચી (પીપળા) ખાતે માધવરાય ભગવાનના સાનિધ્યમાં કારડીયા રાજપૂત સમાજની વાડી ખાતે પ્રમુખ બાલુભાઈ ગોહિલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલાલા, સુત્રાપાડા, ઉના, કોડીનાર, ગીરગઢડા તથા વેરાવળ તાલુકાના ૨૨૫થી વધુ ગોળ ઉત્પાદક ખેડૂતોએ હાજરી આપી હતી. આ ઉપરાંત કોલ્ડ માલિકો અને ગોળના વેપારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ બાલુભાઈ ગોહિલે ગીર સોમનાથ જિલ્લામાં શેરડીના વાવેતર અંગે અને ગોળ ઉત્પાદક અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લાભરમાં અંદાજે ચાર લાખ ઉપરાંત શેરડીનું ઉત્પાદન થનાર છે જેનાથી ૨૦થી ૨૨ લાખ ડબ્બા ખાવા લાયક સારો ગોળ ઉત્પન્ન થશે અને શેરડી ઉત્પન્ન કરતાં ખેડૂતોને પણ સારા ભાવ મળી રહે તે માટે અને નવા વર્ષે વધુ પ્રમાણમાં ખેડૂતો શેરડીના વાવેતર કરવા પ્રેરાય તે માટે પ્રારંભિક નવેમ્બર માસમાં એક ટન શેરડીના ભાવ રૂ.૨૫૦૦ ખેડૂતોના ખેતર બેઠા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે ભરપૂર સિઝનમાં ૩,૦૦૦ થી ૩૨૦૦ સુધીનો વધારો કરી આપવા બેઠકમાં નક્કી કરાયું છે. શેરડીની કટાઈના રૂપિયા ૬૦૦ તથા વાહકના રૂપિયા ૨૦૦ ગોળ ઉત્પન્ન કરનાર ગોળના રાબડાઓ દ્વારા અલગથી ચુકવણું કરવામાં આવશે. બેઠકમાં ઉપસ્થિત વેપારીઓએ પણ પોતાનું કમિશન વધારવાની માંગણી કરતા ગોળ ઉત્પાદકો દ્વારા ગોળના ડબ્બે એક રૂપિયો કમિશન વેપારીને વધારી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. ગોળના રાબડા દિવાળી પછી લાભ પાંચમથી ધમધમતા થશે તેવું મંડળની યાદીમાં જણાવ્યું હતું.