ગીરગઢડા તાલુકાના બેડીયા ગામના એક ખેડૂતે કમોસમી વરસાદ અને ડુંગળીના ઓછા ભાવને કારણે પોતાના પાંચ વીઘાના ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવી નાખ્યું હતું. આ ઘટના ઉના-ગીરગઢડા પંથકમાં ખેડૂતોની કફોડી હાલત દર્શાવે છે. બેડીયા ગામના ખેડૂત રાજુભાઈ છગનભાઈ ક્વાડે પાંચ વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. વાવેતર સમયે બિયારણ, ખાતર અને મજૂરી સહિત લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જોકે, દિવાળી પછી થયેલા કમોસમી વરસાદે પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. જે પાક બચ્યો હતો, તેના પણ યાર્ડમાં મણ દીઠ મામૂલી ભાવ મળી રહ્યા છે. આર્થિક નુકસાન અને ભાવ ન મળવાને કારણે રાજુભાઈએ પોતાની મહેનત પર રોટાવેટર ફેરવી પાકનો નાશ કરવાનો નિર્ણય લીધો. ખેડૂતોને થયેલા ખર્ચ સામે માંડ ૨૦% જેટલી સહાય મળવાની શક્યતા છે, તે પણ ક્યારે મળશે તે પ્રશ્ન છે. નાઘેર પંથકના ખેડૂતો હાલ આવી જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઉના-ગીરગઢડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ખેડૂતોએ ડુંગળીનો પાક નિષ્ફળ જવાથી ખેતરોમાં ઘેટા-બકરા છોડી દીધા છે, જ્યારે કેટલાક ખેડૂતોએ ટ્રેક્ટર અને રોટાવેટર ફેરવી પાકનો નાશ કર્યો હતો.









































