અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીરકાંઠા વિસ્તારના દલખાણીયા ગામમાં શુક્રવારે વહેલી સવારથી ભારે વરસાદ પડ્‌યો હતો, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. આ વિસ્તારમાં આગોતરા મગફળીનું વાવેતર થયેલું હોવાથી, ખેતરોમાં કાઢેલી મગફળી પલળી ગઈ છે, જેને લીધે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે. વરસાદથી માત્ર મગફળી જ નહીં, પરંતુ પશુઓ માટેનો ઘાસચારો (પાલો) પણ પલળી જતાં પશુપાલકોની મુશ્કેલી વધી છે. દલખાણીયાના ખેડૂત ટીણાભાઈ હિરપરાએ જણાવ્યું કે તેમનો મગફળીનો પાક અને પશુઓનો પાલો બંને પલળી ગયા છે અને તેમને મોટું નુકસાન થયું છે. તેમણે સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને વળતર મળે તેવી માંગ કરી છે. વરસાદથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.