ગિરનાર પર્વત પર વર્ષોથી રહેલી પાણીની સમસ્યાનો હવે ટૂંક જ સમયમાં અંત આવશે. ગિરનાર પર પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ગિરનાર પર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે પરંતુ પાણીની સમસ્યાના કારણે શ્રદ્ધાળુઓ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે પાણી પુરવઠા બોર્ડ અંતર્ગત ગિરનાર વોટર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ગિરનારના જંગલમાં આવેલા હસનાપુર ડેમથી એક એમ.એલ.ડી પાણી લેવામાં આવશે અને ૧૦ જગ્યા પર પાણીનું વિતરણ કરવામાં આવશે.જૂનાગઢનો ગિરનાર પર્વત, જે પવિત્ર યાત્રાધામ અને પ્રકૃતિની સુંદરતાનું ધામ છે, ત્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે. જાકે, આ પર્વત પર પીવાના પાણીની અને અન્ય વપરાશના પાણીની સમસ્યા એક મોટો પડકાર બની રહે છે. ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમીમાં, પગથિયાં ચઢીને ઉપર આવતા યાત્રાળુઓ માટે પીવાનું પાણી મળવું મુશ્કેલ બની જાય છે.પાણીની અછતને કારણે યાત્રાળુઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગિરનાર પર્વતની ઊંચાઈ અને દુર્ગમતાને કારણે પાણી પહોંચાડવું એક જટિલ કાર્ય છે. ભવનાથ વિસ્તાર અને ગિરનાર પર્વત પર પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટીક પર પ્રતિબંધ છે, જેના કારણે પાણીની બોટલોનું પરિવહન અને વેચાણ પણ અસરગ્રસ્ત થયા છે.વેપારીઓ માટે પાણીના જગ ઉપર સુધી પહોંચાડવા અશક્્ય અને મુશ્કેલ છે. જેથી ઉપર છેક સુધી પાણી પહોંચવું સંભવ નથી. જેથી અહીં આવતા યાત્રાળુઓને પીવાના પાણીની મુશ્કેલી ઊભી થાય છે.બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ગિરનાર પર આવતા યાત્રાળુને કોઈ મુશ્કેલી ન પડે અને પીવાનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા બોર્ડ અંતર્ગત ગિરનાર વોટર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ગિરનારના જંગલમાં આવેલા હસનાપુર ડેમથી એક એમ.એલ.ડી પાણી લેવામાં આવશે. આ પાણીને શુદ્ધ કરીને ગિરનાર ઉપર પહોંચાડવામાં આવશે.પાણી હસનાપુર ડેમથી કાલકા વડલા, હનુમાન ધારા અને શેસવાન થઈને અંબાજી સુધી આ પાઇપલાઇન પહોંચાડવામાં આવશે. ૮૯ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ માટે સૈદ્ધાંતિક મંજૂરીની રાહ જાવામાં આવી રહી છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને પાણી પહોંચાડ્યા બાદ અલગ અલગ ૧૦ જગ્યા ઉપર પાણી વિતરણના પોઇન્ટ મૂકવામાં આવશે.જ્યાંથી સિડી ઉપરથી આવતા શ્રદ્ધાળુઓ માટે પીવાનું પાણી મળી રહેશે તેવી વ્યવસ્થા કરવાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આમ સરકારની મંજૂરી મળ્યા બાદ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે અને વહેલામાં વહેલી તકે પ્રોજેક્ટ પૂર્ણ કરીને ગિરનાર ઉપર આવતા યાત્રિકોને પૂરતું પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે.