બાબરા તાલુકાના ચમારડી ગ્રામ પંચાયતે સુરક્ષાની દિશામાં અનોખી અને અનુકરણીય પહેલ કરી છે. ગામમાં હવે ચોવીસે કલાક ‘ત્રીજી નજર’નો પહેરો રહેશે. ગ્રામ પંચાયત દ્વારા મુખ્ય પ્રવેશદ્વારો, ચોક તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ૧૦ હાઈ-ડેફિનેશન સીસીટીવી કેમેરા સ્થાપિત કરી સમગ્ર ગામને ડિજિટલ સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. મહિલા સરપંચ દયાબેન જીવનભાઈ પીઢડિયાએ જણાવ્યું કે બદલાતા સમય સાથે ગામડાઓએ પણ સુરક્ષા મામલે આત્મનિર્ભર બનવું જરૂરી છે. ચોરીના બનાવો અટકાવવા, મિલકતની સુરક્ષા અને મહિલા-બાળકોની સલામતી માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે. અનિચ્છનીય બનાવોમાં સીસીટીવી ફૂટેજ પોલીસ તપાસ માટે મજબૂત પુરાવો બનશે.







































