સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે નવા ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. અંદાજે રૂ. ૩૪ લાખના ખર્ચે સાકાર થનારા આ ભવનથી ગામના વહીવટી કાર્યમાં સરળતા આવશે અને સ્થાનિકોને પાયાની સુવિધાઓ એક જ સ્થળેથી મળી રહેશે. હાર્દિક ચંદારાણાએ જણાવ્યું હતું કે, આ ભવનના નિર્માણથી ગામના વિકાસ કાર્યોને નવી ગતિ મળશે અને વહીવટી પ્રક્રિયા વધુ જન કલ્યાણલક્ષી બનશે. આ પ્રસંગે ધારાસભ્યએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, સરકાર ગ્રામીણ માળખાગત સુવિધાઓ સુધારવા માટે કટિબદ્ધ છે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરીયા અને સરપંચ પ્રતિનિધિ જયંતીભાઈ કલાણીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શંભુગીરી બાપુના આશીર્વાદ સાથે અજીતભાઈ જેબલિયા, વનરાજભાઈ ખુમાણ તેમજ ગામના વિવિધ પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.








































