રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં અપાયેલી છૂટછાટ હાલ ચર્ચામાં છે, ત્યારે આ હાઈટેક સિટીમાં હવે ગાંજાનો કાળો કારોબાર પણ પગપેસારો કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.આઈ. એચ.આઈ. ભાટી અને તેમની ટીમે એક ગુપ્ત બાતમીના આધારે ગિફ્ટ સિટી વિસ્તારમાં દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતનો નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે.
એસઓજીની ટીમે ગિફ્ટ સિટીમાં આવેલા ‘શોભા ડ્રીમ હાઈટ્સ’ ટાવરમાં ઓચિંતી રેડ કરી હતી. આ હાઈપ્રોફાઈલ બિલ્ડિંગમાં ચાલી રહેલા નશાના નેટવર્કનો ભાંડો ફૂટ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને બેડરૂમમાં રાખેલી નાઇકીના લોગોવાળી બેગમાંથી ૦.૭૪૬ કિલોગ્રામ લીલાશ પડતો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો. સ્થળ પર એફએસએલના સાયન્ટિફિક ઓફિસરને બોલાવી પરીક્ષણ કરાવતા તે ઉચ્ચ ગુણવત્તાનો ‘ગાંજા’ હોવાનું સાબિત થયું હતું, જેની બજાર કિંમત અંદાજે ૨૬.૧૧ લાખથી વધુ હોવાનું મનાય છે.
આ સમગ્ર કેસમાં મુખ્ય આરોપી તરીકે મોરબીના વતની અંકિત રાજેશભાઈ કક્કડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અંકિત એપ્લિકેશન દ્વારા ગિફ્ટ સિટીના આ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં રોજના ૩,૦૦૦ લેખે રહેતો હતો. એટલે કે તે માસિક ૯૦,૦૦૦ થી વધુનું માતબર ભાડું ચૂકવતો હતો. આ ભાડાનું પેમેન્ટ પણ તે ડિજિટલ માધ્યમથી ગૂગલ પે દ્વારા કરતો હતો, જેથી કોઈને શંકા ન જાય. આરોપી અંકિત કક્કડની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તેણે કબૂલાત કરી છે કે આ ગાંજાનો જથ્થો તેણે બે દિવસ પહેલા જ વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા મેકડોનાલ્ડ્સ બર્ગર પાસે અનિકેત રબારી નામના શખ્સ પાસેથી મેળવ્યો હતો. આ ખુલાસા બાદ હવે પોલીસનું ધ્યાન વડોદરાના આ મુખ્ય સપ્લાયર તરફ કેન્દ્રિત થયું છે, જેણે આટલી મોટી માત્રામાં ડ્રગ્સની ડિલિવરી આપી હતી.
પોલીસે આ ઓપરેશન દરમિયાન માત્ર ગાંજા જ નહીં, પરંતુ અન્ય ચીજવસ્તુઓ પણ કબજે કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ૨૬.૧૧ લાખનો ગાંજા, ૪,૦૦૦ રોકડા, બે મોંઘા આઇફોન, ઇલેÂક્ટ્રક વજન કાંટો અને આધાર કાર્ડ સહિત કુલ ૨૬,૬૫,૫૦૦ ની મત્તાનો સમાવેશ થાય છે. વજન કાંટો મળી આવતા એવી શંકા દ્રઢ બની છે કે આરોપી આ ગાંજાનું છૂટક વેચાણ (પેડલિંગ) કરતો હોઈ શકે છે.
હાલમાં ડભોડા પોલીસ સ્ટેશનમાં અંકિત કક્કડ અને નશીલો પદાર્થ સપ્લાય કરનાર અનિકેત રબારી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ગિફ્ટ સિટીમાં આ નશો કોને સપ્લાય કરવામાં આવવાનો હતો અને આ રેકેટના મૂળિયા ક્યાં સુધી ફેલાયેલા છે.







































