ગાંધીનગર એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાંચ) એ અડાલજ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ઝુંડાલ નર્મદા કેનાલની બાજુમાં આવેલ એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો, જ્યાં નકલી ગુટખા અને ઘી બનાવવાની ફેક્ટરી ચાલી રહી હતી. આ દરોડામાં પકડાયેલા નકલી ઉત્પાદનોમાં વિમલ, મહક સિલ્વર, તાનસેન ગુટખા-પાન મસાલા, બુધાલાલ તમાકુ અને અમુલ ઘી શામેલ હતા.
પોલિસ દ્વારા દરોડામાં ૭ ઇલેક્ટ્રીક મશીનો, ૬ વજન કાંટા, અને ઘી પેકિંગ માટે એક મશીન જપ્ત કરવામાં આવ્યું. વધુમાં, ૩૪૯ પાઉચમાં લખેલ ‘અમુલ’ બ્રાન્ડના ઘી, ૪,૩૬૨ પાન મસાલા અને ગુટખા ભરેલા પાઉચ, ૩ મોબાઇલ ફોન, હાઇડ્રોલિક ટ્રોલી, સીલાઈ મશીનના રીલ અને અન્ય અનેક માલમત્તા કબ્જે કરવામાં આવી છે.
આ દરોડામાં કુલ રૂ. ૮,૩૧,૮૮૬ ના મુદ્દામાલની કબ્જે કરવામાં આવી છે. પોલીસે ૪ શખ્સોને પકડીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના નેટવર્ક વિશે પૂછપરછ શરૂ કરી છે. આ શખ્સો પાન મસાલા, ગુટખા અને ઘી જેવા ઉત્પાદનોની ગેરકાયદેસર બનાવટમાં સંડોવાયેલા હતા. પોલીસે ચેતવણી આપી છે કે આવું ગેરકાયદેસર વ્યવહાર કરવાનો પ્રયાસ કરનારા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે. આ દરોડાની કાર્યવાહી દ્વારા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ગાંધીનગર રેન્જના આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત, અડાલજ વિસ્તારમાં એક ગોડાઉનમાં પાન મસાલા અને ઘી જેવી ચીજવસ્તુઓની ભેળસેળ અને શંકાસ્પદ બનાવટની માહિતીના આધારે એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો.