ગાંધીનગર જિલ્લામાં વ્યાજખોરી અને દમનનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. નિવૃત પોલીસ સબ ઈન્સ્પેક્ટર શૈલેષ બચુ નાયક સામે વ્યાજખોરી, દુષ્પ્રેરણ અને ધમકીના આરોપો સાથે સાંતેજ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આ સમગ્ર ઘટના ગૃહવિભાગના નિવૃત સેક્શન અધિકારી પ્રકાશ નાયકના આપઘાત બાદ પ્રકાશમાં આવી છે.
મળતી માહિતી મુજબ પ્રકાશ નાયકે અડાલજ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. ઘટનાસ્થળેથી મળેલી સ્યુસાઇડ નોટમાં તેમણે નિવૃત પીએસઆઇ શૈલેષ બચુ નાયક દ્વારા લાંબા સમયથી અપાતા માનસિક અને શારીરિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
પરિવારજનોએ પોલીસને આપેલી માહિતી અનુસાર, પ્રકાશ નાયકે લગભગ ૧૦ લાખ રૂપિયાનું ધિરાણ લીધું હતું. જાકે, આરોપી વ્યાજખોરે અત્યાર સુધીમાં લગભગ ૯૦ લાખ રૂપિયાની ઉઘરાણી કરી લીધી હોવા છતાં વધુમાં વધુ દોઢ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આરોપ છે કે વ્યાજની રકમ વસૂલવા માટે આરોપીએ સતત દબાણ બનાવ્યું હતું.
પરિવારના આરોપ મુજબ, માત્ર આર્થિક દબાણ જ નહીં પરંતુ શારીરિક અને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. એટલું જ નહીં, દબાણ વધારવા માટે પ્રકાશ નાયકના પુત્રનું અપહરણ કરી અને મિલકત લખાવી લેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ તમામ ત્રાસ અને દબાણને કારણે પ્રકાશ નાયક ભારે માનસિક તણાવમાં રહેતા હતા. અંતે તેઓએ અડાલજ કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન સમાપ્ત કરી દીધું.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ સાંતેજ પોલીસ મથકે નિવૃત પીએસઆઇ શૈલેષ બચુ નાયક સામે આત્મહત્યાને દુષ્પ્રેરિત કરવાનો તેમજ વ્યાજખોરી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને સંબંધિત પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.