ગુજરાતમાં તાજેતરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ ગઈ હતી. તેમા ચૂંટાયેલા નવા સરપંચોનો અભિવાદન અને સ્વાગત સત્કાર કાર્યક્રમ યોજાવવાનો છે. આ કાર્યક્રમ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ચોથી જુલાઈના રોજ બપોરે ત્રણ વાગે યોજાશે. આ કાર્યક્રમમાં ચૂંટાયેલા ૪,૮૭૬ સંરપંચો આવશે. તેની સાથે ચૂંટાયેલી મહિલા સરપંચો પણ આવશે.
આ ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ ૭૬૧ ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી હતી, આ સમરસ થયેલી ગ્રામ પંચાયતમાં કુલ ૫૬ સમરસ ગ્રામ પંચાયત મહિલાઓની હતી. આ કાર્યક્રમમાં ચૂંટાયેલા સરપંચોનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન સીએમ ભુપેન્દ્ર પટેલ સમરસ ગ્રામ પંચાયતોને ૩૫ કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વિકાસ કાર્યો માટે ગ્રામ પંચાયતોને કુલ રૂ. ૧,૨૩૬ કરોડની રકમ વિવિધ પ્રકારના ગ્રાન્ટ દ્વારા ફાળવવામાં આવી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી આર પાટીલ પણ હાજર હશે.
આ વર્ષે સૌથી સમરસ ગ્રામ પંચાયત ભાવનગર જિલ્લામાં છે. મહિલા સમરસ ગ્રામ પંચાયતમાં મહેસાણા ટોચ પર છે. આ વર્ષે યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ સમરસ પંચાયત ભાવનગરમાં બની છે, તેની સંખ્યા ૧૦૩ છે. મહિલા સમરસ ગ્રામ પંચાયતોમાં જાઈએ તો સૌથી વધારે નવ ગ્રામ પંચાયત મહેસાણા જિલ્લામાં જાહેર કરવામાં આવી છે. ટોચની પાંચ સમરસ ગ્રામ પંચાયતોમાં ભાવનગર પછી મહેસાણામાં ૯૦, પાટણમાં ૭૦, બનાસકાંઠામાં ૫૯ અને જામનગરની ૫૯નો સમાવેશ થાય છે. મહિલા સમરસ ગ્રામ પંચાયતોમાં ટોચની પાંચની યાદીમાં મહેસાણાની નવ, પાટણની સાત, ભાવનગરની છ, બનાસકાંઠાની છ અને વડોદરાની ચાર સામેલ છે.
આ જ કાર્યક્રમમાં ઉત્તમ કામગીરી કરનારી ગ્રામ પંચાયતોનું સન્માન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના દરેક જિલ્લામાં ઉત્તમ કામગીરી કરનારી ગ્રામ પંચાયતો પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ હેઠળ નવ ક્રમાંક આપવામાં આવે છે. તેમા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જવાનપર ગામને ‘ગરીબીમુક્ત અને ઉન્નત આજીવિકા ધરાવતી પંચાયત’ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદના દસક્રોઈ તાલુકાના કણિયાલ ગામની પસંદગી ‘બાળ મૈત્રીપૂર્ણ પંચાયત’ની કેટેગરીમાં કરવામાં આવી છે. આણંદ તાલુકાના રાસનોલ ગામને ‘પર્યાપ્ત પાણી ધરાવતી થીમ’માં પ્રથમ ક્રમ મળ્યો છે.