તાજેતરમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર. ગવઈ પર એક વરિષ્ઠ અધિવક્તા રાકેશ કિશોરે જૂતું ફેંક્યું. તરત દલિત પર બ્રાહ્મણના આક્રમણનો નેરેટિવ ચાલવા લાગ્યો. બે એક દિવસ પછી આક્રમણ કરનાર રાકેશ કિશોરે પોતે દલિત હોવાનું જાહેર કરતાં વિરોધીઓના અપપ્રચારનો પરપોટો ફૂટી ગયો. બી.આર. ગવઈ બૌદ્ધ છે. તેમના પર જૂતું ફેંકાયાની ઘટનાને દલિત પર આક્રમણ કેવી રીતે કહી શકાય?
માનો કે કોઈ દલિત વ્યક્તિ અપરાધ કરે તો શું દલિતો તેમના સમર્થનમાં આવી જશે? આ તો અઝહરુદ્દીન મેચ ફિક્સિંગમાં નામ આવે કે ટી સીરિઝના ગુલશનકુમારની હત્યાનો આરોપી નદીમ (સંગીતકાર નદીમ-શ્રવણ પૈકીનો)એમ કહે કે તે મુસ્લિમ હોવાથી તેને ભારતમાં ન્યાય નહીં મળે તેના જેવું થયું. જેમ મુસ્લિમોનું ખોટું તુષ્ટિકરણ કાંગ્રેસ દ્વારા થતું તે ખોટું હતું તેમ (અપરાધી) દલિતોનું (કે ફાર ધેટ મેટર કોઈ પણ જાતિ-પંથનું) તુષ્ટિકરણ કરાય તે ખોટું છે.
ખજૂરાહોમાં મોગલોએ ભગવાન વિષ્ણુની મૂર્તિ તોડી હતી. તેનું સમારકામ કરવાની માગણી રાકેશ દલાલે સર્વોચ્ચમાં કરી. આ એ.એસ.આઈ.ના અધિકારક્ષેત્રમાં આવે છે, પણ એ.એસ.આઈ. આ વાત સાંભળતું નથી તો તેને આદેશ આપવામાં આવે તેમ કહ્યું. આમાં ગવઈએ આદેશ આપીશું કે નહીં આપી શકાય તેમ જ કહેવાનું હતું પરંતુ ૧૬ સપ્ટેમ્બરે તેમણે કહ્યું કે આ અમારા અધિકારક્ષેત્રમાં નથી આવતું તો તમે ભગવાન વિષ્ણુને જ કહો કારણ કે તમે તેના ચુસ્ત ભક્ત છો. આ જ બાબત કોઈ દરગાહ કે ચર્ચની હોત તો ગવઈ આવું કહી શક્યા હોત? શું ગવઈની આ ટીપ્પણી હિંસારૂપ નથી?
શું હિંસા માત્ર શારીરિક જ હોય છે? તમે કોઈ બાળકને મૂર્ખ કહો કે અક્કલ વગરનો કહો અથવા કોઈ છોકરીને કાળી ભેંસ જેવી કહો અને તેના કારણે આખી જિંદગી એ માનસિક રીતે પીડાયા રાખે તો આ શબ્દો શું હિંસારૂપ નથી? પરંતુ આપણે એમ માનીએ છીએ કે માત્ર શારીરિક હિંસા જ હિંસા છે. અને તે પણ એવા કેસમાં જ્યાં કોઈ હિન્દુએ તે કરી હોય. બીજા પંથોના લોકો કરે તો તે તેમનો અધિકાર છે.
રાકેશ કિશોરે ક્ષમા માગી નથી. તેમણે જે કહ્યું તે સાંભળવા જેવું છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં યોગીજી અપરાધીઓનાં ગેરકાયદે બાંધકામ પર બુલડાઝર ચલાવે છે તે શું ખોટું છે? મુખ્ય ન્યાયમૂર્તિ મોરેશિયસ જઈને એવું બોલ્યા હતા કે બુલડાઝર ન્યાય નહીં ચાલે. વિદેશમાં જઈને આવું બોલવાની શું આવશ્યકતા હતી? હલદ્વાની (ઉત્તરાખંડ)માં રેલવે લાઇનની બંને બાજુએ વિશેષ સમુદાયે ગેરકાયદે દબાણ કર્યું તેને હટાવવા પર પણ સર્વોચ્ચે રોક લગાવી દીધી. નુપૂર શર્મા કેસમાં પણ વિશેષ સમુદાયના બદલે નુપૂર શર્માને ઉત્તરદાયી ઠરાવી દીધાં. પરંતુ આપણા સનાતનના કેસ પછી તે જલ્લીકટ્ટુ હોય, જન્માષ્ટમીએ દહીંહાંડીની ઊંચાઈનો પ્રશ્ન હોય, તેમાં સર્વોચ્ચ એવા આદેશ સંભળાવતું રહ્યું છે જેનાથી હું દુઃખી છું.
ઘણા કહે છે કે બિહારની ચૂંટણી વખતે આ પગલાંથી ભાજપને નુકસાન થશે તો ઘણા કહે છે કે રાકેશ કિશોરે પ્રસિદ્ધિ માટે આવું કર્યું. અરે ભાઈ ! એવું હિન્દુવાદીઓએ જ કેમ વિચારવાનું? ગવઈએ વિષ્ણુ ભગવાનની મજાક ઉડાવી ત્યારે સરકારે જ કેમ તીખી ટીપ્પણી ન કરી? સરકાર છોડો ભાજપે પણ કંઈ ન કહ્યું? રાકેશ કિશોરના કૃત્યની નિંદા કરતી વખતે પણ વડાપ્રધાન મોદી એમ કહી શક્યા હોત કે ગવઈ દ્વારા વિષ્ણુ ભગવાનનું અપમાન યોગ્ય નહોતું. અને જો ચૂંટણીનો સમય જ વિચારવા બેસવાનું હોય તો તો ચૂંટણી દર વર્ષે કોઈ ને કોઈ રાજ્યમાં આવે જ છે. એવું વિચાર્યું હોત તો ન ૬ ડિસેમ્બર થઈ હોત, ન ૨૦૦૨. કોઈ આયોજનપૂર્વક કરે ત્યારે જ આવું વિચારવા બેસી શકે. દુઃખી માણસ તો ત્વરિત પ્રતિક્રિયા આપવાનો જ.
અને ચૂંટણીમાં જીતવાથી ન્યાયતંત્ર, શિક્ષણ તંત્ર કે મનોરંજન ક્ષેત્ર સુધરી જશે? તો તો સુધરી ગયું હોત. ચૂંટણી જીતવાથી શું મુર્શિદાબાદ, નાગપુરમાં હિંસા થઈ તેવી નહીં થાય? તો ગુજરાતના બહિયાલમાં કેમ હિંસા થઈ? હિંસા થાય પછી બુલડાઝર કાર્યવાહી સ્વાગતને પાત્ર છે, પરંતુ તે પહેલાં હિન્દુઓને નુકસાન થઈ જાય છે તેનું શું? કનૈયાલાલ દરજીની હત્યાનાં ત્રણ વર્ષ પછી પણ કેસમાં કોઈ પ્રગતિ નથી થઈ. અને બીજું, કે રાકેશ કિશોરને પ્રસિદ્ધિની શું આવશ્યકતા? તેઓ ૭૧ વર્ષના છે. આવા કૃત્યથી તેમને કેસ મળવા નહીં લાગે. ઉલટું જે છે તે પણ જતા રહેશે.
રાકેશ કિશોરને તરત જ આ કૃત્યનું પરિણામ મળવા લાગ્યું. બાર કાઉન્સિલે મનમાની રીતે તેમને સસ્પેન્ડ કરી દીધા. કોઈ નાટિસ નહીં, કોઈ સુનાવણી નહીં.
રાકેશ કિશોર પાસે જે કેસો આવ્યા હતા તેની ફી તેમણે પરત કરવી પડી છે. હવે કારકિર્દી પર લગભગ પૂર્ણવિરામ જ લાગી જશે. ન તો હિન્દુવાદી સરકાર તેમની પડખે ઊભી રહે કે નહીં કોઈ હિન્દુ સંગઠન. યશવંત વર્માના ઘરે કરોડોની રોકડ મળી આવવા છતાં તેમની પડખે કપિલ સિબલ અને કાંગ્રેસની ઇકા સિસ્ટમ ઊભી રહે છે.
અભિષેક મનુ સિંઘવી સેક્સ સીડીના કેસમાં નામ આવે છે તો પણ કાંગ્રેસ તેમને છોડતી નથી. ન્યાયતંત્ર કેવી રીતે કામ કરે છે તેનું ઉદાહરણ આપતાં રાકેશ કિશોરે કહ્યું કે દિલ્લીના કરકરદુમા ન્યાયાલયમાં એક કેસ ૨૦૨૦નો ચાલે છે. એક ડાક્ટર દ્વારા અકસ્માત થયો હતો. તેના ઘાયલે પોતે કહ્યું કે મેં હેલ્મેટ નહોતી પહેરી, મારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું, હું ખોટી બાજુએથી આવી રહ્યો હતો. તો પણ ન્યાયાધીશ આ કેસની સુનાવણી પૂરી નથી કરી રહ્યા. તેઓ એમ કહે છે કે તમે શું ઇચ્છો છો, હું અત્યારે જ કેસ સમાપ્ત કરી દઉં?
હવે વાત દલિત પર આક્રમણના નેરેટિવની. જૂતા ફેંકવાની ચેષ્ટા કરતી વખતે રાકેશ કિશોર શું એવું બોલ્યા છે કે તમે દલિત થઈને કેવી રીતે મુખ્ય ન્યાયમૂર્તિ બની ગયા અને તેના વિરોધમાં આ મારી પ્રતિક્રિયા છે? હકીકતે આ પ્રતિક્રિયા ભગવાન વિષ્ણુના મજાકની ક્રિયાના ઉત્તરમાં આવી હતી. અને એમ તો, ૧૯૬૮માં એક માણસ ન્યાયમૂર્તિઓ મોહમ્મદ હિદાયતુલ્લાહ, સી. એ. વૈદિયાલિંગમ અને એ.એન. ગ્રોવરની બનેલી બેન્ચ પર છરી લઈને ધસી ગયો હતો જેના કારણે ન્યાયમૂર્તિ ગ્રોવરને ઈજા થઈ હતી. હિદાયતુલ્લાહે તેમની આત્મકથા ‘માય આૅવ્ન બાસવેલ’માં તેનું વર્ણન કર્યું છે. આ ઘટના વખતે સારું હતું કે ન્યાયમૂર્તિઓમાં બે હિન્દુ અને એક મુસ્લિમ હતા, નહીંતર અત્યારે આ ઘટના બને અને માત્ર મુસ્લિમ ન્યાયમૂર્તિ હોય તો મુસ્લિમ પર આક્રમણ આવો નેરેટિવ બની જાય.
૨૦૦૯માં ન્યાયમૂર્તિ અરિજિત પસાયત ન્યાયાલયના તિરસ્કારની સુનાવણી કરી રહ્યા હતા ત્યારે એક મહિલાએ તેમના પર સ્લિપર ફેંક્યું હતું. જો અત્યારે કોઈ પુરુષે મહિલા ન્યાયમૂર્તિ પર સ્લિપર ફેંક્યું હોત તો પિતૃસત્તાક સમાજ મહિલા ન્યાયાધીશ સાંખી શકતો નથી અને ન્યાયાલયમાં મહિલા ન્યાયાધીશ જો સુરક્ષિત ન હોય તો ક્યાં સુરક્ષિત રહી શકશે? આવો નેરેટિવ ચાલુ થઈ ગયો હોત.
ગવઈના પિતા રામકૃષ્ણ સૂર્યભાણ ગવઈ, ઉપાખ્યે ‘દાદાસાહેબ’ રિપબ્લિકન પાર્ટી આૅફ ઇન્ડિયા (ગવઈ)ના સ્થાપક હતા. તેઓ કાંગ્રેસની કૃપાથી કેરળ, બિહાર અને સિક્કિમના રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેઓ મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય ૩૦ વર્ષ સુધી હતા અને લોકસભા તેમજ રાજ્યસભામાં પણ સાંસદ રહી ચૂક્યા છે. આમ, કાંગ્રેસ સાથે તેમને ૪૦ કરતાં પણ વધુ વર્ષ સુધી સંબંધ રહ્યો. બી.આર. ગવઈના ભાઈ રાજેન્દ્ર ગવઈ એમ કહી ચૂક્યા છે કે તેમને સોનિયા ગાંધીએ ૨૦૦૯ અને ૨૦૧૪માં વ્યક્તિગત રીતે ટિકિટ આૅફર કરી હતી અને ૨૦૧૯માં મલ્લિકાર્જુન ખડગેએ ટિકિટ આૅફર કરી હતી ! વિચાર કરો, કેવા સંબંધો હશે કે સોનિયા-ખડગે પોતે આૅફર કરે છે ! (હવે એ વિચારવાનો પણ સમય પાકી ગયો છે કે સર્વોચ્ચમાં જેમના સંબંધી કોઈ પક્ષ સાથે વર્તમાન કે ભૂતકાળમાં જોડાયેલા હોય તેમને ન્યાયમૂર્તિ બનાવવા જોઈએ કે કેમ?)
આ જ કારણસર બી.આર. ગવઈએ ‘મોદી અટકવાળા બધા ચોર હોય છે’ તેવી ટીપ્પણી બદલ રાહુલ ગાંધી દોષિત ઠર્યા અને સાંસદ પદ ગયું તે કેસને સાંભળવા ના પાડી દીધી હતી. તેમણે કહ્યું કે તેમના પિતા અને ભાઈ કાંગ્રેસ સાથે સંકળાયેલા છે. જોકે ગુજરાતના ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ કોઈ વાંધો ન લેતાં, પછી ગવઈએ જ કેસ સાંભળ્યો અને રાહુલ ગાંધીને દોષી ઠરાવવા પર રોક લગાવી દીધી જેના કારણે તેમનું સભ્ય પદ તેમને પાછું મળ્યું હતું. એટલું જ નહીં, ગવઈ એ બૅંચના મુખ્ય ન્યાયાધીશ હતા. (એટલે કે એ બૅંચ તેમના અધ્યક્ષપદવાળી હતી.)
૨૦૨૧માં એક એનજીઓના કેસમાં વિષ્ણુશંકર જૈનને મુખ્ય ન્યાયમૂર્તિ આર.એમ. લોઢાએ કહ્યું હતું કે આ ‘સેક્યુલર’ રાજ્ય છે. ન્યાયાલયમાં પંથને વચ્ચે ન લાવો. તમે તેને પંથનો રંગ ન આપો. કેસ એ હતો કે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હિન્દુ બાળાઓનું અપહરણ થાય છે અને તેમના પર સામૂહિક બળાત્કાર કરાય છે. તેમને મુસ્લિમ બનાવવા વિવશ કરાય છે. આવા તો અનેક કેસ છે જેમાં ન્યાયતંત્રનો મુસ્લિમ અપરાધીઓ પ્રત્યેનો પક્ષપાત ચોખ્ખો દેખાઈ આવે છે અને હિન્દુઓ પ્રત્યેની ઘૃણા. દર દિવાળીએ સર્વોચ્ચમાં ફટાકડા પર પ્રતિબંધની અને દર મકરસંક્રાતિએ પતંગની દોરી સંબંધે યાચિકા દાખલ થઈ જાય છે. નવરાત્રિએ લાઉડસ્પીકરને બાર વાગે બંધ કરાવવાની યાચિકા દાખલ થઈ જાય છે. જ્યારે ક્રિસમસ, ભારત મેચ જીતે ત્યારે કે ચૂંટણી સમયે વિજેતા અભ્યર્થીના સમર્થકો અથવા લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડે ત્યારે પ્રદૂષણ ફેલાતું નથી.
ન્યાયમૂર્તિ અહસાનુદ્દિન અમાનુલ્લાહ અને જોયમાલ્ચા બાગચીની બેન્ચે ૧૮ સપ્ટેમ્બરે એક સગીર છોકરીના ગુપ્તાંગોને અડવાના અને તે જ સમયે પોતાના ગુપ્તાંગને અડવાના આરોપીને બળાત્કારના દોષમાંથી મુક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આમાં પુરુષનું ગુપ્તાંગ છોકરીના ગુપ્તાંગમાં ઘૂસ્યું નથી તેથી ખરો બળાત્કાર ન ગણાય. તો પછી એ જ સિદ્ધાંત પર ન્યાયમૂર્તિને જૂતું વાગ્યું નથી તો આક્રમણ ગણાય? તેવું મહિલાઓ સાશિયલ મીડિયા પર પૂછી રહી છે.
એલ.કે. ગૌતમ માથુર નામના અધિવક્તાએ ફેસબુકમાં કહ્યું કે મારા પિતા કે કાકા કે ભાઈ જો સર્વોચ્ચમાં ન્યાયાધીશ હોત તો હું પણ ન્યાયાધીશ બની શકત. આ બહુ ગંભીર વાત છે. આ અધિવક્તા કંઈ રાકેશ કિશોર તરફી નથી, હિન્દુવાદી પણ નથી. તેમ છતાં તેઓ આવું કહે છે. તેનો અર્થ એ કે સર્વોચ્ચમાં જે કંઈ ચાલી રહ્યું છે તે સુધારા માગી લે છે.
જે સેક્યુલરિયાવ અત્યારે મગરનાં આંસું સારે છે તેઓ પાછા, ભાજપના નેતાઓ સુશીલકુમાર રિંકુ (૨૦૨૩), વિષ્ણુવર્ધન રેડ્ડી અને કંગના રનૌત પર જ્યારે આક્રમણ થાય છે ત્યારે ખુશ થાય છે અને તેને જનતાની પ્રતિક્રિયા બતાવે છે. આવા બેવડાં વલણ ન ચાલે.
અને ગવઈ (દલિત નથી છતાં) દલિત હોવાથી તેમના પર આક્રમણ થયું તેમ કરીને કૂદી પડનારા લોકોને કેટલાક પ્રશ્નો. ૨૦૨૦માં બેંગ્લુરુમાં દલિત કાંગ્રેસી નેતા અખંડ શ્રીનિવાસ મૂર્તિના ઘર પર મોહમ્મદ પયગંબરના અપમાન બદલ પથ્થરમારો થવા લાગ્યો, અને સંપત્તિને આગ લગાડી દેવામાં આવી. એ સમયે કેમ સાશિયલ મીડિયા ન ગજવ્યું?
૨૦૧૯માં ઉત્તર પ્રદેશના દેવરિયામાં એક દલિત કન્યાની છેડતી રહેમત અલીએ કરી તેનો દલિત સમુદાયે વિરોધ કર્યો ત્યારે રહેમત અલી લાકડીઓ અને તીક્ષ્ણ શસ્ત્રો સાથે ટોળું લઈ ધસી આવ્યો અને તેમણે છોકરીના પરિવાર- મહિલાઓ અને બાળકોને માર માર્યો. તે વિસ્તારની આંબેડકરની મૂર્તિને પણ નુકસાન પહોંચાડ્‌યું ત્યારે દલિતોના ઠેકેદારો ક્યાં ગયા હતા?
૨૦૧૯માં ગાંધીધામમાં બે મુસ્લિમોએ યુવાન જયંતી ભાટી પર પઠાણ સૂટ પહેરવા બદલ આક્રમણ કર્યું ત્યારે કેમ દલિત પર આક્રમણ નહોતું? જ્યારે રાજસ્થાનના કાંગ્રેસી ધારાસભ્ય જોહરીલાલ મીણાએ ૨૦૧૯માં આંબેડકર કાલાનીમાં ગ્રામવાસીઓને કહ્યું તેઓ તેમના માટે કામ નહીં કરે કારણકે તેમણે તેમને મત નથી આપ્યા ત્યારે દલિતવાદીઓ ગોદડામાં મોં નાખી સૂઈ ગયા હતા?
અને હિંસાને સમર્થનની વાત. તો જ્યારે ૨૦૧૫માં બસપના અભ્યર્થી હાજી યાકૂબ કુરેશી છેક પેરિસના સામયિક શાર્લી હેબ્દોના મોહમ્મદ પયગંબર પર કાર્ટૂન દોરનારની હત્યા કરવા રૂ. ૫૧ કરોડ પુરસ્કાર જાહેર કરે છે ત્યારે આ અહિંસાના સમર્થકો ક્યાં ખોવાઈ જાય છે? ઘરેલુ હિંસા અને બળાત્કારનો આરોપી તાલિબ હુસૈન જ્યારે મહેબૂબા મુફિ્‌તના પીડીપીમાં જોડાય છે ત્યારે કોઈને વાંધો નથી આવતો. જ્યારે સમાજવાદી પક્ષની મહિલા પાંખ તૃપ્તિ દેસાઈને ચેતવણી આપે છે કે જો તે હાજી અલીમાં પ્રવેશશે તો તેઓ લાફાવાળી કરશે ત્યારે હિંસાના વિરોધીઓ ક્યાં છુપાઈ ગયા હતા?
જ્યારે અનેક હિન્દુના હત્યારા ત્રાસવાદી અને વિશેષ તો ભારત વિરોધી યાસીન મલિકને વડાપ્રધાન મનમોહન હસતા મોઢે મળ્યા હતા ત્યારે અહિંસા પણ રોવા લાગી હશે. જ્યારે તમિળનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિન રાજીવ ગાંધીની હત્યાના (આરોપી નહીં, પણ) દોષિત ઠરેલા એ.જી. પેરરિવાલનનું સન્માન કરે છે ત્યારે ‘રઘુપતિ રાઘવ રાજા રામ ઈશ્વર અલ્લાહ તેરો નામ’ ગાનારા ક્યાં ગયા હતા? કેરળમાં સંઘના નેતા સી. માસ્ટર સદાનંદ (તાજેતરમાં જેમને રાજ્યસભામાં નિમવામાં આવ્યા) પર ક્રૂર આક્રમણના દોષી ઠરેલા આઠ સાથીઓને જેલમાં જતા પહેલાં ભવ્ય વિદાય જ્યારે એક પક્ષ સીપીઆઈ (એમ) આપે છે ત્યારે સમગ્ર દેશમાં તેની ટીકા તો છોડો, નોંધ પણ નથી લેવાતી.
jaywant.pandya@gmail.com