આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે ભારે ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરી છે. જેથી કરીને ગુજરાતીઓ હવે ભર શિયાળામાં વરસાદની થપાટ માટે પણ તૈયાર રહેજા. જાણો કયા વિસ્તારોમાં કયારે વરસાદ વરસી શકે છે.
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ઠંડીમાં બે દિવસ ઘટાડો થશે. ૨૨-૨૩ જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષાની સંભાવના રહેલી છે. જેના કારણે ૨૨-૨૩ જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડી વધશે.
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે , ૨૪-૨૫ જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતા તેની અસર સ્વરૂપે પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
આગાહી મુજબ આગામી ૨૭ થી ૩૦ જાન્યુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી શક્યતા છે જેના કારણે રાજ્યમાં માવઠાની શક્યતા પણ રહેલી છે. દક્ષિણ – પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે.
અંબાલાલની આગાહી મુજબ ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. ૭ થી ૯ ફેબ્રુઆરીમાં વાદળવાયું આવી શકે. એટલે કે વાદળા આવી શકે છે.
બીજી બાજુ રાજ્ય હવામાન વિભાગના જણાવ્યાં મુજબ મંગળવારથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ૪ ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. જેને કારણે ડબલ સિઝન પણ અનુભવાઈ રહી છે.લઘુત્તમ તાપમાન ૫.૬ ડિગ્રી વધીને ૧૭.૫ નોંધાયું હતું. તાપમાન વધ્યું પરંતુ ઠંડા વાયરાના કારણે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. હાલના સમયમાં તો રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં ઠંડીનું પ્રમાણ ઘટતા લોકોને રાહત મળી છે. પરંતુ હવે ઠંડી વધવાની શક્યતા છે.