સંસારમાં દરેક વ્યક્તિ માટે વીતેલા સમયની વ્યથા યાદ હોય છે,આજનો દિવસ ખાસ હોય છે અને આવતીકાલના અરમાનો હૃદયની પાસ હોય છે.માનવ જીવનનો માર્ગ સમયના આ ત્રણ પડાવોમાં વહેંચાયેલો છે,જેને આપણે ગઈ કાલ, આજ અને આવતી કાલ તરીકે ઓળખીએ છીએ.આ ત્રણેય માત્ર શબ્દો નથી, પણ જીવનને સમજવા, સુધારવા અને આગળ વધારવા માટેના મહત્વપૂર્ણ સમય ચક્રના સ્તંભો છે.વીતેલો સમય ફરી પાછો આવતો નથી,પરંતુ પસાર થયેલ સમયની પળોની સુખદ કે દુઃખદ અસરો માનસ પટ પર યાદી રૂપે અંકાયેલી હોય છે,જેનું સ્મરણ આજની વર્તમાન પળો પર અસર કરે છે.ભૂતકાળની ખાટી મીઠી યાદો વર્તમાનને વિવેચક સ્વરૂપે રોચક બનાવતી હોય છે.અને આજની ક્રિયા આવતી કાલનો પાયો બાંધે છે.કેટલાક લાંબા કે ટૂંકા ગાળાના આયોજનો આવતીકાલના અરમાન સ્વરૂપે આજની ક્રિયામાં સામેલ હોય છે.આમ માણસ ભૂતકાળ અને ભવિષ્યકાળ રૂપી બે સાંકળ વડે બંધાયેલ વર્તમાનના ઝુલા પર ઝૂલતો હોય છે.આમતો સમય જ જીવન છે અને સમય જ મરણ છે.જગતમાં બધું સમય વડે ચાલે છે.સંસાર આખો સમય ચક્ર ને આધીન છે.સમયની ગણતરી ના હોત તો સુખ દુઃખ ના સરવાળા બાદબાકી ના હોત અને માનવ જીવનની સંકલ્પના જ શક્ય ન હોત.એટલે સૃષ્ટિનું અસ્તિત્વ જ સમય ને આધીન છે.સમયના પેટાળમાં હજારો લાખો અને કરોડો વર્ષોનો ઇતિહાસ દટાયેલ પડ્યો છે.વર્તમાન સમયમાં કરોડો અબજો ક્રિયાઓ થઈ રહી છે અને આવનાર સમયમાં થવાની ક્રિયાઓ ,બનનારી અનંત ઘટનાઓ પણ સમયના ગર્ભમાં વિકસી રહી હશે.અખિલ બ્રહ્માંડના સાપેક્ષમાં આપણુ કદ એક માત્ર ટપકા સમાન પણ નથી ગણાતું,છતાં સમય સારણીની વિશેષ વ્યવસ્થાઓ એ માનવીને બ્રહ્માંડના રહસ્ય ઉકેલવા મથામણ કરતો કર્યો છે.સમય જ જીવનને રસમય બનાવે છે.આમ માનવ જીવન જ માત્ર નહીં પણ સમસ્ત સૃષ્ટિ માટે સૌથી અગત્યનું અંગ એટલે સમય છે.આવો સમયના આ ત્રણ પાંડવોને સમજવા પ્રયત્ન કરીએ.
ગઈ કાલ એટલે અનુભવોનો ભંડારઃ
ગઈ કાલ એટલે આપણો ભૂતકાળ. તેમાં આપણી ભૂલો, સફળતાઓ, આનંદ અને દુઃખ બધું જ સામેલ છે. ગઈ કાલ ક્યારેય પાછી આવતી નથી, પણ તે આપણને શીખવી જાય છે.ગઈ કાલમાંથી મળેલા અનુભવો આપણને સમજદાર બનાવે છે. જો આપણે ભૂલોને યાદ રાખીને શીખી લઈએ, તો એ આપણું માર્ગદર્શન બની જાય છે. પરંતુ જો આપણે ગઈ કાલમાં જ અટવાઈ જઈએ, તો આગળ વધવાનું બંધ થઈ જાય છે. એટલે ગઈ કાલને યાદ રાખવી, પણ તેમાં જીવવું નહીં,એ જ સાચી સમજ છે.
આજ એટલે નવી તકઃ
આજ એ સૌથી મહત્વપૂર્ણ સમય છે. કારણ કે આજ આપણા હાથમાં છે. ગઈ કાલ પસાર થઈ ગઈ અને આવતી કાલ હજુ આવી નથી, પરંતુ આજમાં આપણે જે કરીએ છીએ તે જ આપણા ભવિષ્યને ઘડે છે.આજનો સદુપયોગ કરવો એટલે જીવનને યોગ્ય દિશામાં લઈ જવું. આજમાં કરેલી મહેનત, આજમાં લીધેલા નિર્ણયો અને આજમાં જીવેલી ક્ષણો જ આવતી કાલનું સ્વરૂપ બનાવે છે.આજનો લ્હાવો લીજીએ રે કાલ કોણે દીઠું છે.વર્તમાનને ભરપૂર માણી લેવો જોઈએ કેમકે ભવિષ્યની આપણને ખબર નથી.રાતે સુતા પછી સવારે જાગીશું કે નહીં એની પણ ગેરંટી નથી.તેમ છતાં પણ આજે કરેલા કર્મ ભવિષ્યના ફળ નિર્માતા હોય છે.ભવિષ્યની ઇમારત વર્તમાનના પાયા પર જ નિર્માણ પામતી હોય છે.વર્તમાન સત્ય છે અને ભવિષ્યકાળ ભ્રમ છે.માટે સુખ હોય કે દુઃખ,વર્તમાનને વધાવી લેવો જોઈએ. “આજને જીવો, કારણ કે આ જ સચ્ચાઈ છે.”
આવતી કાલ એટલે આશાનું પ્રતીકઃ
આવતી કાલ એટલે ભવિષ્ય. તે આશા, સપનાઓ અને નવી શરૂઆતનું પ્રતીક છે. દરેક વ્યક્તિ આવતી કાલ માટે સપનાઓ જુએ છે.સફળતા મેળવવાની, સુખી જીવન જીવવાની આશાએ આજે ખૂબ મહેનત કરે છે. આમ આવતીકાલની આશા જ આપણને આજની ક્રિયાઓ પ્રક્રિયાઓમાં પ્રવૃત રાખે છે.આમેય,આવતી કાલ પોતે સુંદર બની નથી જતી. તે આજના પ્રયત્નોથી જ સુંદર બને છે. જો આપણે આજમાં મહેનત કરીએ, તો આવતી કાલ આપમેળે ઉજ્જવળ બની જાય છે.એટલે કે આવતીકાલ આપણી ઉમ્મીદ છે , આશાનું પ્રતીક છે.અને ખાસ અગત્યનું કે આવતી કાલ માટે ચિંતા નહીં, તૈયારી કરવી જોઈએ.
નિષ્કર્ષઃ
ગઈ કાલ આપણને શીખવે છે, આજ આપણને તક આપે છે અને આવતી કાલ આપણને આશા આપે છે.જો આપણે ગઈ કાલમાંથી શીખી, આજને સારી રીતે જીવી અને આવતી કાલ માટે સકારાત્મક દ્રષ્ટિકોણ રાખીશું, તો જીવન સફળ અને સુખમય બની શકે છે.











































