શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક, શિક્ષણ, આરોગ્ય અને ખેતીલક્ષી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચ ન થાય અને સમાજને એક નવી દિશા મળે તેવા ઉદ્દેશ સાથે ટ્રસ્ટ દ્વારા હિંદુ શાસ્ત્રોક્ત વિધિથી વૈદિક વિવાહની શરૂઆત કરી છે. રાજકોટ શહેરમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આસ્થા ચોક પાસે ટ્રસ્ટ સંચાલિત શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે વૈદિક વિવાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વૈદિક વિવાહને અદ્ભુત પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ગત ૩૦ એપ્રિલે-અખાત્રીજના દિવસે એક વૈદિક વિવાહનું આયોજન કરાયું હતું. જેમાં રાજકોટના મોરબી રોડ પર રહેતા શૈલેષભાઈ દેવજીભાઈના દીકરા અક્ષિતના લગ્ન મહારાષ્ટ્રના થાણેના ભાયંદરમાં રહેતા પ્રવિણભાઈ શાંતિલાલભાઈની દીકરી પ્રિયા સાથે યોજાયા હતા. મહત્વનું છે કે, આ ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે દિવસમાં ચાર વૈદિક વિવાહનું આયોજન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા છે. વૈદિક વિવાહ પ્રસંગમાં વર અને કન્યા પક્ષ તરફથી ૨૫-૨૫ લોકો ઉપસ્થિત રહી શકે છે અને સાદગીપૂર્ણ રીતે વિવાહ પ્રસંગ યોજાય છે. વૈદિક વિવાહમાં કોઈપણ જ્ઞાતિના લોકો જોડાઈ શકે છે. વૈદિક વિવાહ માટે અગાઉથી બુકિંગ કરાવવું અનિવાર્ય છે. બુકિંગ કરાવવા માટે રાજકોટમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ મુખ્ય કાર્યાલયનો મો.નં. ૭૪૮૬૦૨૦૮૧૦ અથવા ૯૭૧૨૯૪૭૮૯૪ પર સંપર્ક કરવો.