મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં હજારોની મેદની વચ્ચે યોજાયો સન્માન સમારોહ

ખોડલધામ મંદિરે ગુજરાતના તમામ ભક્તોને આધ્યાત્મિક ચેતનાની નવી ઊર્જા આપી સમાજસેવાનો નવો જુવાળ જગાવ્યો છે: ભૂપેન્દ્ર પટેલ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ખોડલધામ મંદિરના પ્રાંગણમાં નરેશભાઈ પટેલના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને લેઉવા પટેલ સમાજના નવનિયુક્ત મંત્રીઓના સન્માન સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું હતું. આ સન્માન સમારોહમાં ઠેર-ઠેરથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન ટ્રસ્ટી અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા કરાયું હતું. ટ્રસ્ટીઓ અને કન્વીનરો દ્વારા સૌપ્રથમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હાર અને ખોડલધામનો ખેસ પહેરાવી શિલ્ડ અર્પણ કરીને ભવ્ય સન્માન કરાયું હતું. ત્યારબાદ કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા, નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્ય સરકારમાં નવનિયુક્ત થયેલા લેઉવા પટેલ સમાજના સર્વે મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરીયા, કમલેશભાઈ પટેલ અને પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલનું સન્માન કરાયું હતું. સાથે જ ખેડૂતો દ્વારા મુખ્યમંત્રી અને નરેશભાઈ પટેલનું હાર પહેરાવીને સન્માન કરાયું હતું. આ પ્રસંગે ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે મને સન્માન સમારોહમાં જોડાઈને મા ખોડલના દર્શનનો વધુ એક વખત અવસર મળ્યો છે. ખોડલધામમાં જ્યારે મા ખોડલની સામે ઉભા રહીને દર્શન કરતાં હોય ત્યારે માતાજી સાક્ષાત આપણી સામે ઉભા હોય તેવા દર્શન થાય છે. મનમાં જે ભાવ હોય તે માતાજી પાસે માગીએ તે પૂરા કરે તેવું આ તાકાતવાળું મા ખોડલનું ધામ છે. નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં આવતી કોઈપણ સમસ્યા હોય કે પરિસ્થિતિ હોય તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં આપ સૌને ગુજરાતના લોકોની સેવા કરવા મા ખોડલ સક્ષમ બનાવે તેવી મા ખોડલને પ્રાર્થના કરું છું. ખોડલધામ એક સંસ્થા નહીં પરંતુ વિચાર છે. ખોડલધામના સંગઠન થકી સંગઠિત બની અઢારેય વરણને સાથે રાખી ખોડલધામ સંસ્થા રાષ્ટ્રની સેવામાં આગળ વધે તેવી આપણે સૌ મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરીએ. કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, નરેશભાઈ પટેલે અને ખોડલધામ ટ્રસ્ટે આ સન્માન સમારોહમાં સૌને એકત્રિત કરવાનો જે પ્રયાસ કર્યો છે તે એક સંદેશ છે. જેનાથી મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર તમામને એક પ્રોત્સાહન મળશે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મા ખોડલના ધામમાં આપણે સૌ દર્શન કરીને પાવન થઈએ છીએ. આધ્યાત્મિકની સાથે આરોગ્ય, શિક્ષણ અને સમાજના સંગઠન થકી સમાજને આપણે ઉપયોગી થઈ શકીએ તે માટે નરેશભાઈ પટેલે શ્રી ખોડલધામનો પાયો નાખ્યો. મા ખોડલના ધામમાં સમાજની વચ્ચે અમારું સન્માન થતું હોય એ અમારા માટે ગૌરવની ક્ષણ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સામાજિક અને રાજકીય ક્ષેત્રે સેવા કરતાં શ્રેષ્ઠીઓના સન્માનનો સંદેશ સમગ્ર ગુજરાતમાં ફેલાતો હોય છે અને દરેક સમાજ અને સંસ્થાની અંદર આ એકતાનો સંદેશ પહોંચતો હોય છે, જે સરદાર સાહેબનું વિઝન હતું. આ સન્માન સમારોહમાં બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનો મળી કુલ ૧૮ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી દ્વારા કરાઈ હતી. કાર્યક્રમના અંતે ખોડલધામની પ્રણાલી પ્રમાણે સૌએ સાથે રાષ્ટ્રગાન કર્યું હતું.

બંને આગેવાનો સમાજના કાર્યમાં હંમેશા આગળ રહ્યા છે: મંત્રી જીતુ વાઘાણી
નરેશભાઈ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલ કોલ્ડવોર અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ઘણી વખત જે વાતો વહેતી થઈ હોય છે એ સત્યથી વિપરીત હોય છે. સમાજના કામમાં નરેશભાઈ અને જયેશ રાદડિયા હંમેશા આગળ રહ્યાં છે. ખોડલધામ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ સાથે જ જીતુ વાઘાણીએ ધારાસભ્ય કૌશિક વેકરીયા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.

જયેશ રાદડિયા હોય કે ના હોય ખોડલધામ રહેવાનું જ છે: જયેશ રાદડિયા
છેલ્લા ઘણા સમયથી ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ અને લેઉવા પાટીદાર અગ્રણી તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલ ‘કોલ્ડવોર’ આ કાર્યક્રમમાં સમાપ્ત થયેલ છે. કાર્યક્રમના અંતે ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ અને જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા બંને એકબીજા સાથે વાતચીત કરતાં અને હળવાશની પળોમાં દેખાયા હતા. કાર્યક્રમના અંતે જયેશ રાદડિયાએ એક મોટું નિવેદન આપ્યું હતું કે જયેશ રાદડિયા હોય કે ના હોય ખોડલધામ રહેવાનું જ છે, ખોડલધામ સમાજનું ગૌરવ છે.