પાયાના ખાતરમાં રાસાયણિક ખાતર વાપરતા મિત્રોએ ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે આ વર્ષ જમીનમાં પુષ્કળ ભેજ હોવાથી બે દિવસમાં પિયત થઈ જવું જોઈએ કારણ કે બીજનું અંકુરણ થાય ત્યારે ખાતરમાં જે નાઇટ્રોજનનો ભાગ ઓછા ભેજને કારણે બીજના અંકુરણને બાળી નાખે છે અને તેવા બીજમાં ફુગ થાય છે જે ફૂગ પાછળથી ઉગી ગયેલ છોડને પણ નુકસાન કરે છે અને અમુક પાકમાં સૂકારો ચાલુ થાય અને ઉગાવો નબળો આવવાની શકયતા રહે છે. માટે રાસાયણિક ખાતર વાપરતા ખેડૂતોએ બે દિવસમાં પિયત થઈ જાય તે મુજબ વાવેતર કરતા રહેવું. મોટા નંબરમાં એક સાથે વાવેતર કર્યુ હોય અને મોટર બળી જાય અથવા TC બળી જાય તો પિયત આપવામાં મોડુ થઈ જાય તો નુકસાન ભોગવવું પડે.

જંતુનાશકોના ઉપયોગ અથવા લક્ષ્યાંકનું જીવાતોના આધારે વર્ગીકરણઃ
એ) કિટનાશકઃ એક પદાર્થ કે જેનો ઉપયોગ કિટકોને મારવા અથવા તેમની વૃદ્ધિ અથવા વિકાસ ખોરવવા માટે થાય છે. દા.ત. : મોનોક્રોટોફોસ, કાર્બોફ્યુરાન, લેમ્બડાસીહાલોથ્રિન.
બી) ફૂગનાશકોઃ જે રસાયણોનો ઉપયોગ ફૂગના નિવારણ, ઇલાજ માટે થાય છે. દા.ત: કાર્બેન્ડાઝિમ, થિએબેંડાઝોલ, થિઓફેનેટ-મિથાઈલ.
સી) જીવાણુંનાશકઃ સંયોજનો જે છોડમાં અથવા જમીનમાં રહેલા જીવાણુઓને મારવા અથવા અટકાવવા માટે વપરાય છે. દા.ત. : કોપર હાઇડ્રોક્સાઇડ, કસુગામિસિન, સ્ટ્રેપ્ટોમાયસીન, ટેટ્રાસાયક્લીન.
ડી) કથીરીનાશક: તે પદાર્થો જે કથીરી અને બગાઇને મારી નાખવા માટે અથવા તેમનામાં વિકાસ અને
વૃદ્ધિમાં વિક્ષેપિત કરવા માટે વપરાય છે. દા.ત: ડીડીટી, ડાઇકોફોલ, ફેનપ્રાઇક્સીક્સ.
ઇ) નિંદામણનાશકઃ પદાર્થો કે જે છોડને મારી નાખવા અથવા તેમની વૃદ્ધિ અથવા વિકાસ અટકાવવા માટે વપરાય છે. દા.ત: પેરાક્વાટ, ગ્લાયફોસેટ, ૨, ૪-ડી
એફ) કૃમિનાશકઃ રસાયણો જેનો ઉપયોગ કૃમિને નિયંત્રિત કરવા માટે થાય છે.
દા.ત. કાર્બોફ્યુરાન, ટ્રાઇઝોફોસ.
જી) ઉંદરનાશકઃ ઉંદરો અને તેનાથી સંબંધિત પ્રાણીઓને મારવા માટે વપરાતા પદાર્થો. દા.ત: ઝિંક ફોસ્ફાઇડ, બ્રોમાડીયોલેન.
એચ) એન્ટિફિડન્ટ્‌સ (ખોરાક લેતા અટકાવનાર) : રસાયણો જે કોઈ જીવાતને ખોરાક લેતા અટકાવે છે. દા.ત. ક્લોરડીમેફોર્ન, ફેન્ટિન અને એઝાડીરેકટીન.
આઈ) કોમોસ્ટરીલંટ (વંધ્યત્વ કરનાર) : રસાયણો જે એક જંતુને વંધ્યત્વ આપે છે. કોમોસ્ટરીલંટ ઇંડાના ઉત્પાદનને અવરોધે છે, ઇંડાના મૃત્યુનું કારણ બને છે અથવા સ્પામ અથવા ઇંડા સામગ્રી પર ઘાતક પરિવર્તનનું કારણ બને છે. દા.ત.અજિરીડિનાઇલ, ડિફ્‌લુબેનઝુરોન.
જે) છોડના વિકાસના નિયમનકારોઃ પદાર્થો કે જે છોડમાં અપેક્ષિત વૃદ્ધિ બદલવામાં, ફૂલને અથવા પ્રજનન દર બદલાવામાં ભાગ ભજવે છે. દા.ત: એનએએ, એથેફોન.

જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોઃ
• છંટકાવ માટે હોલોકોન નોઝલનો ઉપયોગ કરવો અને પવનની દિશામાં છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
• પંપ અને અન્ય સાધનો દવાના છંટકાવ પછી યોગ્ય રીતે સફાઇ કરી સંગ્રહસ્થાનમાં મૂકવા.
• દવાઓનું મિશ્રણ ન કરવું તેમજ જરૂરિયાત હોય ત્યારે બજારમાં મળતા તૈયાર દવાઓના મિશ્રણનો ઉપયોગ કરવો.
• જૈવિક કીટકનાશક સાથે ફૂગનાશક દવા ભેળવવી નહી.
• ખેતરમાં મિત્ર કીટકો હોય ત્યારે દવાનો છંટકાવ ન કરવો.
કાર્બામેટ (કાર્બોસલ્ફાન, થાયોડીકાર્બ) આ જૂથના કીટનાશક રસાયણો જીવાતનાં ચેતાતંત્રમાં જૈવ-રાસાયણિક પ્રકારે થતાં સંદેશાવહન માટે જરૂરી એવા ખાસ પ્રકારનાં અંતઃસ્ત્રાવ (એસીટાઈલ કોલીન એસ્ટ્રેઝ)ને બનતા અટકાવે છે અને આ રીતે કીટકનું નિયંત્રણ થાય છે. આવા કીટનાશક રસાયણો એસીટાઈલ કોલીન એસ્ટ્રેઝઈન્હીબીટર્સ તરીકે ઓળખાય છે.

એરંડાઃ પાનનો અલ્ટરનેરીયા ટપકાંનો રોગ
રોગના લક્ષણો:
આ રોગ અલ્ટરનેરીયા મેકરોસ્પોરા નામની ફુગથી થાય છે. આ રોગ મોટાભાગે પાકની પાછલી અવસ્થાએ જોવા મળે છે. સામાન્ય રીતે પાકટ પાન અને નીચેના પાન પર નાના બદામી, ગોળ કે અનિયમીત આકારમાં વધીને કેન્દ્રીયભૂત વર્તુળો વાળા ચાંઠાઓ ઉત્પન્ન થાય છે. પાનની ધારને પણ ઝાળ લાગે છે. આ રોગની માત્રા વધતા પાન ખરી પડે છે. થડ, દાંડીઓ અને જીંડવા પર પણ રોગનો ઉપદ્રવ જોવા મળે છે.
નિયંત્રણઃ- મેન્કોઝેબ ૦.ર % (૧૦ લિટરમાં ર૭ ગ્રામ) ઓગાળી મિશ્રણ ૧પ દિવસના અંતરે ર થી ૩ વખત છાંટવું.
ઘઉં • ઘઉંના પાનના સુકારાના નિયંત્રણ માટે રોગની શરૂઆતમાં મેન્કો વે.પાવડર ૧૦ લિટર પાણીના ૧૫ દિવસના આંતરે બે છંટકાવ કરવા.
શિયાળુ મકાઈ: • પાનનો સુકારો ટર્સીકમ લીફ બ્લાઈટ રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા (૧ લિટર / ૧૦ લિટર પાણી) અથવા લીમડાના પાનનો અર્ક ૧૦ ટકા (૧ લિટર / ૧૦ લિટર પાણી) નો છંટકાવ વાવણીના ૩૦, ૪૦, ૫૦ અને ૬૦ દિવસે આંતરે બે છંટકાવ કરવા.
પૂર્વા તલ: • ગાંઠિયા માખીના નિયંત્રણ માટે મિથાઈલ-ઓ-ડીમેટોન ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• ડુંગળીમાં થ્રીપ્સનો ઉપદ્રવ વધતો જણાય તો ફોસ્ફામીડોન ૧૦ મિ.લિ. અથવા સ્પીનોસેડ ૨ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
બટાટાઃ • બટાટાના કટકાનાં કોહવારાનાં નિયંત્રણ માટે બટાટાના વાવેતર પહેલા જ્યારે બીજ તૈયાર કરવામાં આવે છે એટલે કે ટુકડા કરવામાં આવે છે ત્યારે કાપેલ ટુકડાને મેન્કોઝેબ દવાની સૂકી માવજત આપવી જરૂરી છે જેથી રોગપ્રેરકો ટુકડામાં દાખલ થાય નહિ અને ટુકડા કોહવાય નહિ. પ્રતિ હેકટરે એક કિલો મેન્કોઝેબ અને ૫ કિલો શંખજીરૂ મિશ્રણ કરી બટાટાના ટુકડા ઉપર ભભરાવી વાવેતર કરવાથી કટકામાં થતો કોહવારાનો રોગ અટકાવી શકાય છે.
તરબૂચઃ • તરબૂચમાં૨૦ માઈક્રોન જાડાઈના સિલ્વર બ્લેક કલરના પ્લાસ્ટિક મલ્ચનો ઉપયોગ કરી ૦.૬ ઈટીસી લેવલે ટપક પધ્ધતિ દ્વારા પિયત આપો.
શાકભાજીઃ • ભીંડામાં તડતડીયા તથા ફળ અને ડુંખ કોરી ખાનાર ઈયળ માટે મેટારીઝીયમ એનીસોપ્લી ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.

• ટમેટાનાં પાનનાં સુકારાનાં રોગ માટે કોપર હાઈડ્રોકસાઈડ ૭૭ વે.પા. ૨૫ ગ્રામ/૧૦ લિટર પાણીમાં નાખી ૧૦ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.
• દુધી:’ ગુજરાત આણંદ સંકર દુધી – ૧ નું વાવેતર કરો.
મરીમસાલાના પાકો (વરિયાળી, જીરું, ધાણા, મેથી, સુવા અને અજમો): મોલો અને થ્રીપ્સનાં નિયંત્રણ માટે મોલો અને થ્રીપ્સનો વધુ ઉપદ્રવ જણાય તો ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૨ મિ.લિ. અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસેલ ૪ મિ.લિ. અથવા કાર્બેસ્લ્ફાન ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો બીજા છંટકાવની જરૂરિયાત જણાય તો કીટનાશક બદલવી.ધાણાનાં ઉગાવાના એક મહિના બાદ ટ્રાઈકોડર્માં હારજીયાનમ ૫ કિ.ગ્રા. ૧૦ કિલો રેતીમાં ભેળવી છંટકાવ કરવાથી સુકારાનું નિયંત્રણ મેળવી શકાય છે.
ધાણા: તાપમાન ૩૦ થી ૩૫ સે. હોય ત્યારે વાવેતર કરવું. સમય ૧૦ થી ૨૫ નવેમ્બર વચ્ચે વાવેતર કરવું. બિયારણનો દર ૩.૫ કિલો /વીઘા મુજબ રાખવો. બે હાર વચ્ચે ૧૮ ઇંચના અંતરે વાવેતર કરવું.
જાતઃ ધાણા-૧, ૨ અને ૩ જાત છે. વધુ સારી જાત ધાણા-૩ છે. ખાતર ૩૦-૧૫-૦ તેમાં સિંગલ સુપર ફોસ્ફેટ વીઘે ૧૫ કિલો, એમોનિયમ સલ્ફેટ વીઘે ૧૦ કિલો વાપરવું. આ ખાતર પાયામાં આપવું.તે ઉપલબ્ધ ન હોય તો ૨૦-૨૦-૦-૧૩ વીઘે ૧૫ કિલો પાયામાં આપવું.સાથે પોટાશ ૧૦ કિલો આપવું. આ સાથે માઈકોરાઈજાનો પણ મૂળના વિકાસ ઉપયોગ કરો. તે ઉપરાંત જૈવિક બેક્ટેરિયા એઝોટોબેક્ટર તેમજ થાયોબેસીલાસ સલ્ફરના બેક્ટેરિયા કલ્ચર ૨.૫ વીઘે ૧-૧ લિટરનો ઉપયોગ કરવો.