દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે શ્વેત ક્રાંતિ પછી સ્વીટ (મધ) ક્રાંતિની વાત દેશ સમક્ષ મૂકી ત્યારે નવરા ઓટલા તોડતા વ્યક્તિઓને હાસ્ય અને ગમ્મત લાગી પણ આજે ભારત મધની નિકાસ કરતો દેશ બન્યો છે. આ છે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતનાં સફળતા તરફની આગે કુચ આજે અને આવતીકાલે દેશ ખેતી સિવાય આગળ નહીં વધી શકે ખેતી, પશુપાલન અને તેના આધારિત વેલ્યુએડિશનની તકો ઓળખવી પડશે ત્યારે જ સફળતા મળશે.
સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામના નવ લોહિયા યુવાને ઉચ્ચ અભ્યાસ કરીને પણ પોતાના ગામડાને અને ખેતીને પ્રેમ કર્યો અને આજે આગળ વધી રહ્યો છે. માત્ર ૩૩ વર્ષિય યુવાન દર્શન ધીરજલાલ ભાલાળા આજે મધુધારા ફાર્મના નામથી મધમા ડંકો વગાડી રહ્યો છે. પોતાના પરિવારની ૮૦ વીઘા જમીન છે. ખેતી સાથે પરિવાર પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. બાપદાદા અને વડીલોએ દુષ્કાળના દિવસો જોયેલા એટલે પરિવારના બાળકોને ભણાવીને મોટા શહેરમાં ધંધો-નોકરી કરવા જતા રહે ખેતીમાં દિવસ, રાતની મહેનત છતા પછેડીના ચાર છેડા ભેગા ન થાય એવો સમય આવે દર્શનનો સાત ધોરણ સુધીનો અભ્યાસ ગામડાની પ્રાથમિક શાળામાં થયો નાનપણથી જ ગામ અને ખેતી સાથે માયા એટલે ખેતી છોડવી નહીં એવું પહેલેથી નક્કી કરેલ આગળ અભ્યાસ કરી સી.એ. ફાઈનલ સુધી પહોંચી ખાનગી કંપનીમાં સારા પગારથી નોકરીએ લાગ્યો. વિઘા એકના ફળિયામાં જે યુવાન રમ્યો, ૮૦ વીઘા જેટલી જમીન એટલે બાપદાદાની ઇન્ડસ્ટ્રીઝ આમ દર્શનને ઓફિસની ચાર દીવાલો નાની લાગે નોકરી છોડી ખેતી સાથે કોઈ ધંધો કરવા પરિવારને વાત કરી ત્યારે વડીલોએ કહ્યું આજે ખેતી લોકો છોડે છે. કામ નથી કરવું એટલે ખેતીથી ભાગે છે અને તું મહેનત કરવા આવીશ દર્શનનો જવાબ હતો હા. ઘણી શોધ અને અભ્યાસ પછી દર્શને નક્કી કર્યું એગ્રીકલ્ચર બિઝનેસમાં આગળ વધવું છે અને ઇનપુટ, આઉટપુટ આપવું આથી હની બિઝનેસમાં આગળ વિવિધ જગ્યાએ જઈને માહિતી માર્ગદર્શન મેળવવી પોતાના ખેતરમાં ૨૦૧૬ માં મધમાખીની પાંચ પેટીઓ લાવીને શરૂઆત કરી આજે ૭૦૦ જેટલી પેટીઓ છે. ખેતીના પાકોની સિઝન પ્રમાણે અજમા, ધાણા, વરીયાળી, લીંચી, જાંબુના ફૂલ, કાશ્મીરી લીંચી અને જંગલી ફ્લાવરિંગના સમયે વિવિધ ખેતરોમાં મધપેટી મૂકીને ફૂલોના રસમાંથી મધમાખી રસ લાવીને મધપૂડામાંથી આધુનિક ઢબે મધ મેળવવામાં આવે છે ૨૦ પ્રકારના અલગ અલગ ફૂલોના રસમાંથી મધ મેળવવામાં આવે છે. દર્શનભાઈ વાત કરતા કહે છે જેટલું મધ જૂનું તેના ગુણધર્મો વધુ સાઉદી અરેબિયાના લુઈ મોલમાં ૫૦૦ ગ્રામ જૂના મધના રૂ. ૮૦,૦૦૦ થી રૂ. ૨,૦૦,૦૦૦ જેટલી કિંમત હોય છે. આ ઉપરાંત દુબઈમાં પણ જૂના મધનું મોટું માર્કેટ આવેલ છે.
મધએ માણસના લોહી જેવું હોય છે. જેમાં સતત ફેરફારો થાય છે. પોતાની મધપેટીઓને વિવિધ પાકોમાં મુકવા રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાં જાય છે. મધ ઉપરાંત મધનું ગુલકંદ અને વિવિધ મીઠાઈઓ પણ બનાવવામાં આવે છે. ગયા વર્ષે ૧૭ ટન મધનું ઉત્પાદન આવેલ અને લગભગ દોઢ કરોડનું વેચાણ કરે પોતાની કંપનીમાં સારા પગારથી ૩૦ લોકો નોકરી કરે છે. ખેડૂતોના દીકરાઓ વીઘા એકના ગામડે ફળિયા મૂકીને ૧૦ બાય ૧૦ ની ઓરડીમાં રહેવા જાય છે. તે સામાજિક સમસ્યા છે. રોજગારી અને કમાણી ખેતી અને પશુપાલન વ્યવસાયમાં છે આવો ફરી ગામડે. દર્શનભાઈનો સંપર્ક નંબર ૯૬ ૬ ૨૧ ૬૬ ૭૭૦ છે.











































