મહુધા તાલુકાના મહિસા ગામના ખેતરમાંથી યુવક અને યુવતીના મૃતદેહો મળ્યા હતા. જેની જાણ થતા જ એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસની કુલ ૧૦ ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી ગણતરીના કલાકોમાં જ ડબલ મર્ડર મિસ્ટ્રીને ઉકેલી દીધી છે. પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરા તપાસતા એક બાઈક પાછળ ત્રણ સવારી ડાકોરથી અલીણા તરફ જતા હોવાની માહિતી મળી હતી. જેના નંબરના આધારે તેની તપાસ કરતા બાઈક ચાલક ખીજલપુર ગામનો પ્રકાશ ઉર્ફે પકો ચંદુભાઈ નીનામા હોવાનું માલુમ પડતા તેની ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોપી પ્રકાશ ઉર્ફે પકો ચંદુભાઈ નીનામાએ બે હત્યાનો ગુનો કબૂલ્યો છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ઘટનામાં જેનું મર્ડર થયું તે યુવતીના થોડા દિવસ પહેલા લગ્ન નક્કી થયા હતા. પરંતુ તેને ગામના જ એક અજય નામના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી, લગ્નના આગલા દિવસે જ બંને પ્રેમીપંખીડા ભાગીને ડાકોર પહોંચ્યા હતા. જ્યાં બંને ચિંતામાં ગોમતી ઘાટે બેઠા હતા અને ‘ક્યાં રોકાઈશું’ તેની ચર્ચા કરી રહ્યા હતા. દરમિયાન તેઓની મુલાકાત આરોપી પ્રકાશ નીનામા સાથે થઈ હતી.
પ્રેમીપંખીડાએ તેને જણાવ્યું કે, તેઓ ઘરેથી ભાગી ગયા છે અને આશ્રયની શોધમાં છે. જેથી પ્રકાશ નીનામાએ કહ્યું કે, ‘તમે મારી સાથે ચાલો, હું તમને રાતવાસો કરવાની વ્યવસ્થા કરી આપીશ.’ આ બાદ પ્રકાશ બંનેને બાઈક ઉપર બેસાડીને ડાકોરથી અલીણા થઈ મહિસા લઈ ગયો હતો. જ્યાં તેણે ખુલ્લા ખેતરમાં બંનેને આશરો આપીને ‘આજની રાત અહીં વિતાવી લો કાલે સવારે બીજે સારી વ્યવસ્થા કરી આપીશ…’ એમ કહ્યું હતું.
તેમ કહ્યા બાદ રાત્રિના સમયે પ્રકાશે અચાનક સૌપ્રથમ યુવક પર હુમલો કર્યો હતો અને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યાર બાદમાં યુવતી પર પણ હુમલો કર્યો હતો અને અર્ધબેભાન અવસ્થામાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં તેણે યુવતીના પ્રાઇવેટ પાર્ટ પર ઈજાઓ પહોંચાડ્યા બાદ તેને પણ મોતને ઘાટ ઉતારી હતી. આ રેપ વિથ ડબલ મર્ડરને અંજામ આપી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
પોલીસ સમક્ષ આરોપીએ કબુલ્યું કે, ‘આ પ્રેમી યુગલ ડાકોરના ગોમતી ઘાટે બેઠા હતા. તે સમયે મેં કોઈપણ પરિચય વગર યુવાન પાસે ગયો અને વાતચીત શરૂ કરી હતી. દરમિયાન બંનેએ સઘળી હકીકત કહેતા મેં રહેવાની વ્યવસ્થા કરી આપવાનું કહી બંનેને વિશ્વાસમાં લીધા બાદમાં તેમને પોતાની બાઇક ઉપર જ બેસાડીને મહિસા લઇ ગયો હતો. બાદ ખેતઇ માતાના મંદિરે બંનેને બેસાડ્યા હતા. અંધારું થતાં તે બન્નેને લઇને તબેલે ગયો હતો. જ્યાં બંનેને જમાડ્યા બાદ લૂંટ, રેપ અને મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હતો.’
સમગ્ર મામલે એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, આરોપી પ્રકાશ નીનામા છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેના બે વાર લગ્ન પણ થઈ ચૂક્યા છે. પ્રથમ લગ્ન તૂટી ગયા છે અને બીજા લગ્નમાં પણ પત્ની સાથે અણબનાવ હોવાથી જુદી રહે છે. તેના કારણે તેને આ યુવતી સાથે શારીરિક સંબંધો બાંધવાના હેતુસર આ કૃત્ય આચર્યુ હોવાનું છે. આરોપી મહિસાના ભૂગોળથી વાકેફ હતો. જેથી આ પ્રેમી યુગલને લઈ આવ્યો હતો અને ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસ તેના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.