ખેડા જિલ્લાના કઠલાલમાં એક ચકચારી ઘટના સામે આવી છે. કઠલાલના માલવણ ગામના વિજય સોલંકીએ સાત વર્ષની જીવતી દીકરીને નર્મદાની કેનાલમાં નાંખી દીધી. આ અંગે મૃતક દીકરીની માતા અંજના સોલંકીએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીને સંતાનમાં બે દીકરીઓ હતી. તેને પુત્ર પ્રાપ્તિની ઇચ્છા હોવાને કારણે આવું પગલું ભર્યાનું સામે આવ્યું છે. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ખેડા જિલ્લામાં આવેલા કઠલાલમાં પિતા વિજયભાઈ બચુભાઈ સોલંકીને બે દીકરીઓ હતી. જેમાંથી નાની સાત વર્ષની દીકરી ભૂમિના જન્મ બાદ તેણે તેની માતાએ પોતાના પિયરમાં મોકલી દીધી હતી. આ દીકરી તેના નાનાના ઘરે ઉછરી હતી. ગુરુ પૂર્ણિમાના દિવસે લીંબા ગામે માતાજીના દર્શન કરી બાઈક પર વિજયભાઈ પોતાની પત્ની અંજના અને દીકરી ભૂમિ સાથે ઘરે આવી રહ્યા હતા. વઘાવત નજીક નર્મદાની કેનાલ ઉપર બાઈક ઉભું રાખી પિતા વિજયભાઈ સોલંકીએ ભૂમિને પાળ ઉપર ઉભી રાખી ધક્કો મારી પાણીમાં ફેંકી દીધી હતી.
આ અંગે દીકરીની માતા અંજના સોલંકીએ જણાવ્યું છે કે, “એ દિવસે પૂનમ હતી, પતિએ કહ્યું કે આપણે દર્શન કરવા જઈએ. દર્શન કરવા ગયા ત્યાં શાંતિથી દર્શન કરવા પણ ન દીધા અને ફટાફટ ત્યાંથી બહાર લઈ ગયો. બાઇક પર અમે પતિ પત્ની અને દીકરી આવતા હતા. તેણે વચ્ચે એક પુલ પર ઉભી રાખી તો મેં તરત એને પૂછ્યું કે અહીં કેમ ઉભી રાખી? તો કાંઈ બોલ્યો નહીં. પછી બાઇક ચાલુ કર્યું અને ફરીથી બીજા પુલે ઉભી રાખી ત્યારે મને ફફડાટ થવા લાગ્યો કે ફરી કેમ ઉભી રાખી. ફરીથી મેં પૂછ્યું તો તેણે કહ્યું કે, મને પગમાં ખાલી ચઢી ગઈ છે. મારી છોકરી પણ પુલ પાસે જ ઉભી હતી. તેણે અચાનક છોકરીને હાથમાં લીધી. ત્યારે તો આપણને ખબર જ ના હોય કે વ્યક્તિના મગજમાં શું ચાલે છે? તેણે છોકરીને પુલ પરથી પાણીમાં નાંખી દીધી. હું તો આ જોઈ રહી, મારા હાથમાં થેલો હતો. હું થોડી વાર તો પાણીમાં જોઈ રહી પણ એ તો તરત જ પુલથી દૂર જતો રહ્યો. મેં ત્યાંથી બે બાઈકવાળા જતા હતા તેમને ત્યાં આવવા કહ્યું પણ કોઈ ન આવ્યું.”
આ સમગ્ર ઘટના અંગે કોઈ વ્યક્તિએ હેમતાજીના મુવાડા ખાતે અંજનાના પિયરમાં જાણ કરી હતી. બાળકીના પાલક નાના અને મામા સહિતના લોકો સવારે ચેલાવત ગામ પહોંચ્યા હતા. જ્યાં નર્મદા કેનાલ ઉપરથી જ ૧૦૦ નંબર ઉપર જાણ કરી પોલીસને ઘટનાસ્થળે બોલાવી હતી. જે બાદ સ્થાનિક તરવૈયા દ્વારા બે કલાક બાદ ભૂમિનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો. જે બાદ દીકરીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.ત્યારબાદ આંતરસુંબા પોલીસે હેમતાજીના મુવાડાથી આવેલા અંજનાના પિતાએ પોતાની ભાણીનું ખૂન થયું હોવાની ફરિયાદ આપતા પોલીસે લેવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે આરોપી પિતા જયંતીભાઈ સોલંકીથી અજાણતા ૭ વર્ષની ભૂમિ પાણીમાં પડી હોવાની જણાવાજાગ નોંધ મૃતક દીકરીની માતા અંજના પાસે નોંધાવી હતી. જે બાદ વકીલ મારફતે આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.