બાબરા તાલુકાના ખીજડીયા કોટડા ગામે કૌટુંબિક અદાવતમાં ભત્રીજાએ પોતાના જ સગા કાકા પર કુહાડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો હતો. આ મામલે લાખાભાઇ ગોબરભાઇ માધડ (ઉ.વ. ૬૦) એ તેમના ભત્રીજા હરેશ ઉર્ફે જીગો માધડ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તેમના ભાભીના પાણીઢોળના પ્રસંગ નિમિત્તે ખીજડીયા કોટડા ગામે આવ્યા હતા. સાંજના આશરે સાડા સાત વાગ્યાના અરસામાં તેઓ અને તેમના પત્ની કંકુબેન તેમના ભાઈ નથુભાઈના ઘરે હતા, ત્યારે બાજુમાં રહેતો તેમનો ભત્રીજો હરેશ ઉર્ફે જીગો પોતાના ભાઈ રાહુલ સાથે ઝઘડો કરી રહ્યો હતો.તેઓ જ્યારે તેમના ભત્રીજા હરેશને ઝઘડો ન કરવા માટે સમજાવવા ગયા, ત્યારે ઉશ્કેરાયેલા હરેશે અપશબ્દો બોલી ગાળાગાળી શરૂ કરી હતી. મામલો બિચકતા હરેશે તેમને ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો અને ઘરમાં પડેલી કુહાડી વડે ફરિયાદીના માથાના ભાગે ઝીંકી દીધી હતી. આ હુમલા દરમિયાન વચ્ચે પડનારા સાક્ષીઓને પણ આરોપીએ માર માર્યો હતો અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર બી પાનસુરિયા વધુ તપાસ કરી રહ્યા છે.