ખાંભા તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા પંચાયતના કામોમાં કરાયેલી ગેરરીતિની ફરિયાદ કરવા બદલ ફરિયાદી પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી હતી. આ કામના બે આરોપીઓએ ફરિયાદીને ચાલુ મોટરસાઇકલ પર રોકીને લોખંડના પાઇપ વડે આડેધડ માર માર્યો હતો. ત્રાકુડા ગામે રહેતા અને કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા કનુભાઇ મંગાભાઇ પરમાર (ઉ.વ.૪૫)એ ભરતભાઇ ભોપભાઇ રાઠોડ રહે.ભાવરડી તથા અરવિંદભાઇ ભીખાભાઇ સરવૈયા રહે.ગોરાણા સામે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીએ ગત તા. ૩૧/૦૫/૨૦૨૫ના રોજ તેમની જ્ઞાતિના અન્ય ચાર લોકો સાથે મળીને ખાંભા તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ ગેરરીતિ આચરવા બદલ અમરેલી જિલ્લા વિકાસ અધિકારી (DDO) કચેરીમાં તપાસ અર્થે અરજી/ફરિયાદ કરી હતી.
ફરિયાદ મુજબ, ભરતભાઈ રાઠોડે તેમને ચાલુ મોટરસાઇકલ પર જતા રોકી, તેમના જમણા હાથના કાંડા પર લોખંડના પાઇપનો ઘા મારીને નીચે પછાડી દીધા હતા. ગેરકાયદે અવરોધ ઊભો કરીને તેમની પાસે રહેલા લોખંડના પાઇપ વડે ફરિયાદીને આડેધડ માર માર્યો હતો. આ હુમલામાં તેમને માથાના ભાગે, પેટના ઉપરના ભાગે, વાંસાના ભાગે તથા બંને હાથ-પગમાં મૂંઢ ઇજાઓ પહોંચી હતી.હુમલો કરીને જતા પહેલા બંને આરોપીઓએ ફરિયાદીને અશ્લિલ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આ સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધીને બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી. ગાજીપરા વધુ તપાસ કરી રહ્યા છે.