ખાંભા પંથકમાં બેફિકરાઈભરી રીતે રિક્ષા ચલાવવાનું પરિણામ રિક્ષાચાલકને ભોગવવુ પડ્યું છે. રિક્ષા પલટી મારી જતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ખાંભા પંથકમાં પુરઝડપે જતી ભારવાહક રિક્ષા પલટી જતાં એક ૨૧ વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. સાવરકુંડલાના ખોડિયારપરામાં રહેતો સચિનભાઈ જયંતિભાઈ જીંજુવાડીયા પોતાની રિક્ષા (નંબર GJ-૧૪-Y-૨૮૫૧) લઈને ભાડ ગામેથી લોખંડ ઉતારી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ખાંભા રોડ પર રિક્ષા બેફીકરાઈથી ચલાવતા સચિને સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. રિક્ષા પલટી ખાઈને તેના માથા પર પડતા ગંભીર ઈજાઓ થવાને કારણે યુવાનનું સ્થળ પર જ મોત થયું હતું.
આ અંગે મૃતકના પિતા જયંતિભાઈએ ફરિયાદ નોંધાવતા ખાંભા પોલીસે એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ એન.પી. સોલંકીએ તપાસ શરૂ કરી છે.