ખાંભા તાલુકામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની PGVCL ના ગ્રાહકો પાસે અંદાજે રૂ. ૧.૫ કરોડની બાકી રકમ હોવાથી વીજ તંત્ર દ્વારા વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બાકી લેણાં વસૂલવા માટે વીજતંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પીજીવીસીએલની ટીમ દ્વારા હાલમાં ખાંભા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડોર-ટુ-ડોર વસૂલાત શરૂ કરવામાં આવી છે. વીજ કંપની દ્વારા બાકીદાર ગ્રાહકોને નોટિસ પાઠવીને કનેક્શન કાપી નાખવાની કડક ચેતવણી પણ આપવામાં આવી રહી છે. આ અંગે ખાંભા પીજીવીસીએલના નાયબ ઇજનેર તલસાણીયા દ્વારા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે ગ્રાહકોએ પોતાની બાકી રકમ વહેલી તકે ભરી દેવાની રહેશે, નહિતર વીજ જોડાણ કાપીને રદ કરવામાં આવશે. ગ્રાહકોને વીજ પુરવઠાથી વંચિત ન રહેવું પડે તે હેતુથી આગામી તારીખ ૨૫-૦૨-૨૦૨૬ પહેલા વીજબિલની બાકી રકમ ભરપાઈ કરી દેવા અપીલ કરવામાં આવી છે.