નાનુડી-ઉમરીયા રોડ પર કોળીવાળી ધાર પાસે જમીનના જૂના મનદુઃખને કારણે બે શખ્સોએ એક યુવકને આંતરીને માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. આ અંગે ઉમરીયા ગામે રહેતા નયનભાઇ નાથાભાઇ મારૂ (ઉ.વ.૨૬)એ નાનુડી ગામના જેઠુરભાઇ પાતાભાઇ છૈયા તથા હમીરભાઇ રામભાઇ ભમ્મર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની જમીન જેઠુરભાઈ છૈયાની વાડીના શેઢે આવેલી છે. આ જમીન આરોપી પડાવી લેવા માંગતો હતો, પરંતુ તેમણે જમીન આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ બાબતે બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી નાની-મોટી તકરારો ચાલતી હતી અને આરોપી મનદુઃખ રાખતો હતો. તેઓ પોતાની મોટરસાયકલ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે આરોપીએ પોતાનું ટ્રેક્ટર રોડ પર આડું રાખી તેમનો રસ્તો રોક્યો હતો. આરોપીએ ગાળાગાળી કરી ટ્રેક્ટરમાંથી લાકડી કાઢી તેમને વાસાના ભાગે તથા ડાબા હાથની કોણીએ ઘા ઝીંકી દીધા હતા. આ દરમિયાન હમીરભાઈ ભમ્મર પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને બંનેએ ભેગા મળીને તેમને શરીરે આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો અને જો જમીન નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એન.બી. ગોરડીયા વધુ તપાસ કરી રહ્યા છે.