ખાંબાના નાની ધારી ગામે નવા રોડ તથા નવા સ્મશાન બાબતે પંચાયતમાં રજૂઆત થઈ હતી. જે બાબતનું મનદુઃખ રાખી હુમલો કરવામાં આવ્યો હતો. ગૌતમભાઈ ધીરૂભાઈ વાળા (ઉ.વ.૨૮)એ ભરતભાઇ દેહાભાઇ વાળા, રણજીતભાઇ મનુભાઇ વાળા, નિલેશભાઇ ભરતભાઇ વાળા, ઉદયભાઇ ગભરૂભાઇ વાળા તથા ગભરૂભાઇ દેહાભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે ગામમાં બનતા નવા રોડ તથા નવા સ્મશાન બાબતે પંચાયતમાં રજૂઆત કરી હતી. જે બાબતનું મનદુઃખ રાખી તેઓ તથા તેમના ભાઇ રણજીતભાઇ ફોરવ્હીલ ગાડી લઇ ગામમાં જતા હોય ત્યારે ઉભા રાખી ગાળો આપવા લાગ્યા હતા. ભરતભાઈ દેહાભાઈ વાળાએ કુહાડીથી તેના માથાના ભાગે એક ઘા માર્યો હતો. અન્ય આરોપીએ ખંભે ભાલુ માર્યું હતું તેમજ પાઈપથી મુંઢમાર માર્યો હતો. તમામ આરોપીએ ભેગા મળી તેમની ફોરવ્હીલના આગળ પાછળના કાચ તથા ફોરવ્હીલના ટાયર ભાલા, કુહાડી વડે તોડી નાખી આશરે રૂ.૩૫,૦૦૦નું આર્થિક નુકસાન કર્યું હતું. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.