ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામે પત્નીના આડા સંબંધના કારણે એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. બનાવ સંદર્ભે દેવદાનભાઇ પુંજાભાઇ સોલંકી (ઉ.વ.૨૨)એ અલ્પેશભાઇ હિંમતભાઇ બારૈયા, હિતેશભાઇ રાઘવભાઇ સોલંકી, ગોપાલ ઉર્ફે ગોદડ રમેશભાઇ બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવા માલકનેશ ગામના મેહુલ પુંજાભાઈ સોલંકી (ઉં.વ. ૩૦) ની તેના જ ગામના અલ્પેશ બારૈયા, હિતેશ સોલંકી અને ગોપાલ બારૈયા નામના ત્રણ શખ્સોએ હત્યા કરી હતી.મૃતક મેહુલની પત્નીને અલ્પેશ બારૈયા સાથે આડો સંબંધ હતો, જેની જાણ મેહુલને થઈ હતી. આ બાબતે અગાઉ પણ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ગત મોડી સાંજે મેહુલ પોતાના ઘર નજીક બેઠો હતો, ત્યારે અલ્પેશ ત્યાં આવ્યો. મેહુલે તેને ત્યાંથી જતા રહેવાનું કહેતા અલ્પેશ ઉશ્કેરાયો હતો. તેણે પોતાના મિત્રો હિતેશ અને ગોપાલને બોલાવી મેહુલના ઘરે જઈ ઝઘડો શરૂ કર્યો હતો. ઝપાઝપી દરમિયાન અલ્પેશ બારૈયાએ પોતાની પાસે રહેલી છરી કાઢી મેહુલના ગળામાં ઊંડો ઘા ઝીંકી દીધો હતો. આ ઉપરાંત, તેણે મેહુલના શરીર પર છરીના ૧૦ જેટલા ઘા માર્યા હતા, જેના કારણે મેહુલ ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્‌યો અને તેનું મૃત્યુ થયું હતું. હત્યા બાદ ત્રણેય આરોપીઓ ઘટના સ્થળેથી નાસી ગયા હતા. મૃતક મેહુલના ભાઈએ આ અંગે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્‌યા હતા. હત્યા બાદ આરોપી ગોપાલ બારૈયા મોટરસાયકલ પર અલ્પેશ અને હિતેશને ગામ બહાર ડુંગરોમાં સંતાડવા ગયો હતો, પરંતુ પોલીસની સઘન તપાસમાં ત્રણેય ઝડપાઈ ગયા હતા.