લીલીયાના ક્રાંકચ ગામે પ્રેમસંબંધ પૂરો કર્યાની દાઝમાં મહિલા પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ અંગે અંબાબેન નાનજીભાઈ પરમાર (ઉં.વ. ૭૦)એ તેમના જ ગામના જયંતીભાઈ ઉર્ફે ઘુઘો ગોકુળભાઈ ઝાલાવાડીયા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, આરોપીને તેમની દીકરી સાથે પ્રેમસંબંધ હતો, જે બાદમાં દીકરીએ પૂરો કરી દીધો હતો. જે બાબતે દાઝ રાખી આરોપીએ રાત્રિના સમયે તેમના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેમને ધક્કો મારી નીચે પાડી દઈ, ગાળો આપીને પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી હતી. જાનથી મારી નાખવાના ઇરાદાથી આરોપીએ પેટના ભાગે જોશથી છરીનો ઘા મારવા જતાં, અંબાબેને પોતાના બંને હાથ વડે છરી પકડી લીધી હતી. જેથી તેમને બંને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ૨૩ ટાંકા આવ્યા હતા. આ ઉપરાંત આરોપીએ તેમને તથા તેમની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. વાય. એમ. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.