રાજુલા તાલુકાના કોવાયા-લોઠપુર ગામનો પાંચ કિ.મી.નો મુખ્ય માર્ગ ભારે વરસાદથી ધોવાઈ જતાં પરિવહન વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે. રસ્તા પર ખાડા એટલા મોટા છે કે મોટરસાયકલ ચાલકોને પણ જીવનું જોખમ રહે છે. ટ્રકોના ટાયર અને જમ્પર તૂટી જવાના બનાવો વધતા, માલવાહક વાહનો ઊંચા ભાડા છતાં આવવા તૈયાર નથી. બિસ્માર રસ્તાને પરિણામે એસ.ટી. તંત્રએ સુરક્ષા હેતુસર તમામ બસ સેવાઓ બંધ કરી દીધી છે. એસ.ટી. સેવા બંધ થતા મજૂર વર્ગ પર મોટી અસર પડી છે. ઉદ્યોગોમાં કામે જતા મજૂરોને રાજુલા સુધી ૨૦ કિ.મી. વધારાનો પ્રવાસ કરવો પડે છે. નવો રોડ મંજૂર છતાં સમારકામ અધૂરું છે. બાંધકામ ખાતાએ ૪૦ કરોડનો સિમેન્ટ-કોંક્રિટ રોડ મંજૂર કર્યો હોવાનો દાવો કર્યો છે, પરંતુ જૂના રસ્તાનું સમારકામ કરવા સરકાર મંજૂરી આપતી નથી. ચાર મહિના વીતી ગયા છતાં ટેન્ડર અને વહીવટી પ્રક્રિયાના બહાને કાર્ય અટક્યું છે. અલ્ટ્રાટેક, રિલાયન્સ ડિફેન્સ, સ્વાન એનર્જી જેવા મોટા ઉદ્યોગો હોવા છતાં કોઈ ઉદ્યોગ પોતે માર્ગ સમારકામમાં સહભાગી બનવા આગળ નથી આવતો.
સ્થાનિક આગેવાનો અને સરપંચોએ માંગણી કરી છે કે જિલ્લા વહીવટીતંત્ર તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી એસ.આર. ફંડ તથા ઉદ્યોગોની ભાગીદારીથી ઓછામાં ઓછું તાત્કાલિક રોડનું સમારકામ શરૂ કરે.