અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ બેઠકના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કોળી સમાજ પ્રત્યે પોતાનો મજબૂત પક્ષ રજૂ કરતા જાવા મળી રહ્યા છે. આ વિડિયો બે દિવસ પહેલા ભેરાઈ નજીક આવેલા બલાડ માતાજીના મંદિર ખાતે આયોજિત ડાયરા કાર્યક્રમ દરમિયાનનો છે.જાહેરસભામાં સંબોધન કરતાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ સ્પષ્ટ શબ્દોમાં કોળી સમાજ પ્રત્યે પોતાનો ઋણભાવ વ્યક્ત કર્યો હતો અને સમાજને પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે “કોળી સમાજનો ગુણ હું ક્યારેય ભૂલી નહીં શકું. ક્યાંક ક્યાંક કોળી સમાજમાં અન્યાય થઈ રહ્યો છે, ત્યારે તેમને ન્યાય અપાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે, મિત્રો, અમને જેવા ગણે તેવા પણ અમારા જેવા માથા ભારે લોકો પણ મિત્રો અમારા જેવા માથા ભારે માણસો પણ આ કોળી સમાજને જાશે.”ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય હીરા સોલંકીનું આ નિવેદન રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેમણે કોળી સમાજના હિત માટે લડત આપવા માટે પોતાની આક્રમક છબીને પણ સ્વીકારી છે અને જરૂર પડ્યે સમાજને ન્યાય અપાવવા માટે કડક વલણ અપનાવવાની તૈયારી બતાવી છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો આ બેબાક અંદાજ સૂચવે છે કે તેઓ સમાજમાં થતા અન્યાય સામે મૌન રહેવાના મૂડમાં નથી. આ વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને કોળી સમાજના કાર્યક્રમોમાં તેમના નિવેદનો હંમેશા ચર્ચામાં રહેતા હોય છે.







































