ધોરાજી કોર્ટે ઉપલેટાના વાયરલ વીડિયો પ્રકરણમાં હત્યાની કોશિશના ગુનામાં કરસન અરસી સોલંકીને ગુનેગાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તા.૨૦/૪/૨૦૧૯ના રોજ ઉપલેટામાં ભાયાભાઈ ગાગલીયા પર તેમના સાઢુભાઈ વિજય સોલંકી અને કરસન સોલંકીએ કુહાડીઓ વડે આડેધડ ૨૦-૨૫ ઘા માર્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. ઈજાગ્રસ્ત ભાયાભાઈને રાજકોટ અને અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા. આ કેસમાં આરોપી નંબર એક વિજય સોલંકીનું મૃત્યુ થયું હતું. બચાવ પક્ષે વાયરલ વીડિયોમાં કરસનની ઓળખ ન હોવાનો અને સાક્ષીઓ ફરી ગયા હોવાનો દાવો કર્યો હતો. જ્યારે સરકારી વકીલે સમાન ઇરાદો, ઈજાની ગંભીરતા અને સાક્ષીઓએ ઘટનાસ્થળ તથા સારવારની વાત કબૂલ્યા હોવાની દલીલ કરી હતી. એડિશનલ સેશન્સ જજ અલી હુસેન શેખે કરસનને તકસીરવાર ઠેરવી સજા સંભળાવી હતી. તપાસ અધિકારી વી.એમ. લગારીયા હાજર રહ્યા હતા.