ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઈમનો ભોગ બનેલા નાગરિકોને આર્થિક નુકસાનમાંથી બચાવવા માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. કોડીનાર પોલીસે ઇન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ અંતર્ગત કાર્યવાહી કરી ૨૪ જેટલા અરજદારોની ફ્રીઝ અને હોલ્ડ કરાવેલી કુલ રૂ.૮,૪૯,૦૯૭ ની રકમ પરત અપાવી છે. પોલીસ દ્વારા સાયબર ક્રાઈમનો ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થવા અન્વયે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોડીનાર પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૫ દરમિયાન જે લોકોએ સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ કરી હતી, તેમના નાણાં જે શંકાસ્પદ ખાતામાં જમા થયા હતા તે ખાતાઓ ફ્રીઝ કરાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના ભાગરૂપે મયુરભાઈ બાંભણીયા, પંકજ બજાજ, કિશન રૂપારેલ, વિરેનભાઈ, આશિષકુમાર બારડ, મહેશ બાંભણીયા સહિત કુલ ૨૪ અરજદારોને તેમના ગુમાવેલા નાણાં પરત મળ્યા છે. આ સફળ કામગીરીમાં કોડીનાર પી.આઈ. એમ.કે. વણારકા સાથે વુમન પોલીસ કોન્સ્ટેબલ મિનાક્ષીબેન વાણવી અને આઈ.ટી. એક્સપર્ટ વિશાલભાઈ વાળાએ જહેમત ઉઠાવી હતી.