કોડીનાર પોલીસે તેરા તુજકો અર્પણના ઉમદા અભિગમ હેઠળ એક અરજદારને તેમના ફસાયેલા રૂ. ૨૨,૩૦૦ પરત અપાવવામાં સફળતા મેળવી છે. કોડીનારના રહેવાસી જેન્તીભાઇ કરશનભાઇ પરમાર કોડીનાર શહેરમાં વિશ્વાસ એન્ટરપ્રાઇઝ નામની ફેબ્રિકેશનની દુકાન ધરાવતા હતા. તેમણે વિશ્વાસ રાખીને એક વ્યક્તિને રૂ. ૨૨,૩૦૦નું લોખંડ ઉધારીમાં આપ્યું હતું, પરંતુ સામાવાળી વ્યક્તિએ આજદિન સુધી આ રકમ પરત ન કરી અને બહારગામ જતો રહ્યો હતો. આ અંગે જેન્તીભાઇએ પોલીસમાં અરજી કરી હતી.
કોડીનાર ટાઉન બીટના ઇન્ચાર્જ પો.હેડ કોન્સ. એચ.એ. ચાવડા, પો.હેડ કોન્સ.અભિજીતસિંહ રાજેન્દ્રસિંહ, પો.કોન્સ. ભગવાનભાઇ જીણાભાઇ અને ભીખુશા બચુશાની ટીમે હ્યુમન સોર્સ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી. ટીમે ગણતરીના સમયમાં સામાવાળી વ્યક્તિને શોધી કાઢી હતી, જેના પરિણામે તેણે અરજદાર જેન્તીભાઇના રૂ. ૨૨,૩૦૦ પરત કરી દીધા હતા. પોતાના રૂપિયા પાછા મળતા જેન્તીભાઇએ કોડીનાર પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.